લૂંટનો દેખાડો કરી વિઝા ફ્રોડ બદલ રામ પટેલ દોષિત

Saturday 31st May 2025 06:01 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના વિવિધ રાજ્યોમાં લૂંટનું નાટક કરી લોકોને ખોટી રીતે અમેરિકન ઈમિગ્રેશનના લાભો અપાવવામાં મદદ કરનારા રામભાઈ પટેલ (37) નામના યુવાનને અહીંની એક અદાલતે કસૂરવાર ઠેરવ્યો છે. પટેલની સજાની સુનાવણી 20 ઓગસ્ટે હાથ ધરાશે.
અમેરિકન વકીલના જણાવ્યા અનુસાર, પટેલ અને તેના સાગરીતોએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં આવેલા ગ્રોસરી સ્ટોર્સ, રેસ્ટોરાં અને કન્વીનિયન્સ સ્ટોર્સમાં ઓછામાં ઓછી 9 લૂંટ કર્યાનું તરકટ ઉભું કર્યું હતું. આ લૂંટ પાછળનો આરોપીનો હેતુ હિંસક અપરાધોનો માહોલ ઉભું કરવાનો હતો જેથી આ સ્ટોર્સમાં કામ કરતાં ક્લાર્ક્સ અથવા માલિકો, આવા ગુનાઓનો ભોગ બનેલાં પીડિતોને અપાતા યુ નોનઈમિગ્રન્ટ્સ સ્ટેટસ (યુ વિઝા) માટે અરજી કરી શકે. આ તમામ બનાવટી લૂંટની શરૂઆત માર્ચ 2023થી કરાઈ હતી. તમામ ઘટનાના સર્વેલન્સ ફૂટેજની ચકાસણી કરતાં તેમાં નકલી લૂંટારાઓ સ્ટોર્સમાં હથિયારો દેખાડી રોકડ ચોરી નાસી જતાં હોવાનું દેખાયું હતું.
આ હુમલાના પીડિતો કે જેમણે પટેલને આવા એક કેસમાં 20,000 ડોલર આપ્યાં હતાં, તેઓ આ હુમલાની પોલીસ ફરિયાદ કરતાં હતાં. ત્યારબાદ તેઓ તેમની સાથે થયેલી લૂંટની ઘટનાના આધારે પીડિત હોવાનો દાવો કરી યુ વિઝા માટે અરજી કરતાં હતાં. પટેલને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ અને 2.50 લાખ ડોલરનો દંડ થાય તેવી શક્યતા છે. સાથે સાથે જ સજા પૂર્ણ થયાં બાદ તેનો દેશનિકાલ કરાય તેવી પણ પ્રબળ શક્યતા છે. આ કેસની તપાસ એફબીઆઈ ઉપરાંત ઈમિગ્રેશન વિભાગે મેસેચ્યુસેટ્સ, પેન્સિલવેનિયા સહિતના રાજ્યોમાં કરી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter