કટાર લેખક, અભિનેતા, લેખક, દિગ્દર્શક અને મોડેલ હની છાયાએ કિડનીની બીમારીને કારણે વસઈની હોસ્પિટલમાં ૨૮મી ફેબ્રુઆરીએ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની ઉંમર ૮૭ વર્ષની હતી. તેમના પરિવારમાં પત્ની મનિષાબહેન, પુત્ર બિભાસ અને પુત્રી નીરજાનો સમાવેશ થાય છે. તેમની અંતિમવિધિ ૨૯મી ફેબ્રુઆરીએ વસઈમાં કરાઈ હતી.
કિડનીની ગંભીર તકલીફને કારણે છેલ્લા થોડા દિવસથી તેમને વસઈની કાર્ડિનલ ગ્રેશિયસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુજરાતી રંગભૂમિ, ફિલ્મોના અભિનેતા અને જાહેરખબરોની દુનિયામાં મોડેલ તરીકે હની છાયા જાણીતા હતા. તેમણે ‘ઓહ માય ગોડ’, ‘વોટ્સ યોર રાશિ’, ‘ફિરાક’ અને ‘બીઈંગ સાયરસ’ જેવી ફિલ્મોમાં ટૂંકી પણ નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી. ટેલિવિઝન સિરિયલ ‘બા, બહુ ઔર બેબી’માં તેમની નરસીકાકાની ભૂમિકા ઘણી વખણાઈ હતી.


