ગાંધીનગરઃ ગુજરાત સરકારે થોડા સમય પહેલાં લાગુ કરેલાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લા કલેક્ટરોને કુલ ૨,૫૩૯ ફરિયાદો પ્રાપ્ત મળી છે. આ ફરિયાદોમાં કાર્યવાહી કરીને ગુજરાત સરકારે ૭૭૩ વીઘા જેટલી જમીન અસામાજિક તત્ત્વોની ચુંગાલમાંથી છોડાવીને તેના મૂળ માલિકોને સુપરત કરી છે. ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપી હતી.
કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલાં પ્રશ્નના જવાબમાં જાડેજાએ કહ્યું કે, ૨,૫૩૯ ફરિયાદોમાંથી ૧૧૩ ફરિયાદોમાં પ્રક્રિયા પૂર્ણ થઇ છે જ્યારે બાકીની ફરિયાદો પર પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ ૪૧૪ આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાયદાકીય રીતે કેસ ચલાવવામાં આવી રહ્યો છે, જે જમીનો મુક્ત કરવામાં આવી છે તેનો કુલ વિસ્તાર ૧૨.૫૧ લાખ ચોરસમીટર એટલે કે ૩૦૯ એકર જેટલો થવા જાય છે. હજુ પણ જેમ ફરિયાદો આવતી જશે તેમ તેની પ્રક્રિયા કરવામાં આવશે.

