અમદાવાદઃ કુદરતી પ્રસૂતિના આગવા ફાયદા હોવા છતાં રાજ્યમાં વર્ષ ૨૦૧૪ની સરખામણીએ વર્ષ ૨૦૧૫માં સિઝેરિયનથી થતી પ્રસૂતિમાં ૪૮ ટકા વધારો નોંધાયો છે. ભારત સરકારના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૪ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ૪૩,૪૨૧ સિઝેરિયનના કેસ હતાં. વર્ષ ૨૦૧૫ના આ જ સમયમાં સિઝેરિયનના કેસિસની સંખ્યા વધીને ૬૪,૩૭૩ જેટલી થઈ હતી. એટલે કે વર્ષ ૨૦૧૫માં સિઝેરિયનના કેસિસમાં ૨૦,૯૫૨નો વધારો નોંધાયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે, મોટાભાગે સિઝેરિયનની સંખ્યામાં એક વર્ષમાં ૪૮ ટકા વધારો થવા પાછળનું મુખ્ય કારણ મહિલાઓ પ્રસૂતિની પીડામાંથી રાહત ઇચ્છે છે તથા સિઝેરિયનની પ્રક્રિયા સરળ અને સુરક્ષિત હોવાથી ડોક્ટર્સ પણ ઓછા સમયમાં ડિલિવરી કરાવવાનો વિકલ્પ પસંદ કરે છે તે જણાય છે.

