લેભાગુ રાજકીય પક્ષોનું કારસ્તાનઃ ત્રણ વર્ષમાં રૂ. 4000 કરોડની હેરાફેરી

Wednesday 14th September 2022 06:12 EDT
 
 

અમદાવાદ: રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઓના બોગસ ડોનેશનના કૌભાંડમાં 23 જેટલા પક્ષોએ ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં રૂ. 4000 કરોડના બોગસ ડોનેશનની વિગતો બહાર આવી છે.
આમાંથી અપના દેશ પાર્ટીએ રૂ. 700 કરોડ, લોહશાહી સત્તા પાર્ટીએ રૂ. 600 કરોડ અને ભારતીય રાષ્ટ્રીય પાર્ટીએ રૂ. 600 કરોડના બોગસ ડોનેશન વહેવારો કર્યાનું ઇન્કમટેક્સ વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે 2021ના દરોડા દરમિયાન આવકવેરા દરોડાની ઝપટે ચઢેલી આ પ્રકારની કેટલાક પાર્ટીઓ 2022માં ફરીથી નવા નામ સાથે સક્રિય થઈ ગયાનું પણ આવકવેરા દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાને આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં 50થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવણી ખુલી છે.
આ લેભાગુ રાજકીય પક્ષોએ ડોનેશનના નામે કાળા નાણાંને ધોળા કરવા માટે આવકવેરા ધારાની કલમ 80 જીજીબી અને કલમ 80 જીજીસીની જોગવાઈનો દુરુપયોગ કર્યો છે. આશરે રૂ. 4000 કરોડથી વધુનું ડોનેશન મેળવીને પોતાનું કમિશન કાપીને રોકડેથી તે જ નાણાં દાતાઓને પરત કરી દઈને આવકવેરાની મોટી ચોરી કરવામાં મદદગારી કર્યાનું બહાર આવ્યું હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. આ સાથે જ પાંચેક દિવસથી ચાલતી દરોડાની કાર્યવાહી લગભગ પૂરી થવાને આરે આવી પહોંચી હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે ડોક્ટર્સ, વકીલ જેવા પ્રોફેશનલ્સ અને રૂ. 10 - 20 લાખના પગારદારો સહિત 75 લાખથી એક કરોડ રૂપિયાનો પગાર ધરાવનારાઓ પણ બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવાયેલા છે.
ગુજરાતના 23 પક્ષોની સંડોવણી
આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે બોગસ ડોનેશનના કૌભાંડમાં ગુજરાતમાં 23 જેટલા નાના-મોટા રાજકીય પક્ષોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. રાજકીય પક્ષોના નામની દુકાન ખોલીને બેસી જનારાઓમાં ઘડિયાળની દુકાન ચલાવનારા અને રિક્ષાચાલકો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. તો એક જ વ્યક્તિએ બે અલગ અલગ નામથી રાજકીય પક્ષો બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
આ તમામ રાજકીય પક્ષોની ઓફિસ મોટા ભાગે અમદાવાદ શહેર અને તેની પરિસરના વિસ્તારોમાં જ હોવાનું જોવા મળ્યું છે. માત્ર ત્રણથી ચાર રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદથી દૂર સુરત, રાજકોટ અને પોરબંદર જેવા વિસ્તારોમાં હોવાનું બહાર આવ્યું છે. મુંબઈની પણ બે પોલિટિકલ પાર્ટી સરદાર વલ્લભભાઈ પાર્ટી અને જનદાર વાદી કોન્ગ્રેસ પાર્ટીએ પણ બોગસ ડોનેશન કૌભાંડ આચરીને સરકારની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે.
રાજકીય પક્ષોની માફક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન ઊભા કરીને પણ બોગસ ડોનેશનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલા આઈસીએઆઈને સંબોધન કરતી વખતે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ચેતવણી આપી હોવા છતાંય આજે પણ તેઓ બોગસ ડોનેશનનું કૌભાંડ આચરનારાઓને મદદ કરવાનું કામ કરી રહ્યા છે.

એક હાથ સે દે એક હાથ સે લે...
રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓના બોગસ ડોનેશન કૌભાંડની મોડસ ઓપરેન્ડી કંઇક એવી હતી કે કહેવાતા દાતાઓ પાસેથી એક કરોડ રૂપિયાનો ચેક લઈને પાંચથી પંદર ટકા કમિશન કાપી લઈને બાકી રકમ રોકડેથી પરત કરતા હતા. આ જ રીતે તેઓ રોકડેથી નાણાં લઈને ચેક આપતા હતા.
પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે તે પ્રમાણે નોંધાયેલા લેભાગુ રાજકીય પક્ષોએ ચેકથી નાણાં આપનારાઓને કમિશન કાપી લઈને રોકડા પરત કર્યા હોવાનું અને રોકડે નાણાં આપનારાઓને કમિશન કાપીને ચેક પણ આપ્યા હોવાનું બહાર આવ્યું છે. બનાવટી ડોનેશનના કૌભાંડનો મોટી મોટી કંપનીઓએ પણ લાભ લીધો હોવાનું બહાર આવ્યું છે. મોટા રાજકીય પક્ષોને પણ ન મળે તેટલું તોતિંગ ડોનેશન તેમને મળ્યું છે. આ રીતે ગુજરાતમાં કંપનીઓને મની લોન્ડરિંગ કરવામાં રાજકીય પક્ષો મોટો સાથ આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter