અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પહેલીવાર કોરોના સૌથી વધુ ૧૭૩૦ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૮૦૦૦ને પાર થઈ ગયો છે. જ્યારે અમદાવાદ અને સુરત શહેરમાં બે-બે મળીને કુલ ૪ દર્દીના મોત સાથે મૃત્યુઆંક ૪૪૫૪થયો છે. રાજ્યમાં સોમવારે ૧૬૪૦ કેસ જ્યારે અગાઉ ૨૭ નવેમ્બરે ૧૬૦૭ કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ ૮૦૦૦ પાર
આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ ૯૫.૬૦ ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા ૩૧ દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ ૨૦ ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૮૦૦૦ને પાર કરી ગયો છે અને હાલ ૮૩૧૮ એક્ટિવ કેસ છે.
૨૨ અધિકારીઓને જિલ્લાની જવાબદારી
ગુજરાત સરકારે કોરોના સંદર્ભે પગલાં લેવા, સુપરવિઝન કરવા, વેક્સિનેશનની કામગીરી સંભાળવા માટે અગાઉ કરેલી નિમણૂકો અપડેટ કરીને કુલ ૨૨ અધિકારીને તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. આ અધિકારીઓએ તેમને સોંપાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશન કે જિલ્લાની મુલાકાત લઈ કામગીરીની વખતોવખત સમીક્ષા પણ કરવાની છે. સામાન્ય વહીવટ વિભાગે રવિવારે આ નવો હુકમ બહાર પાડયો છે.
હેપ્પી બર્થડે કોવિડઃ લોકોએ સોશિયલ મીડિયામાં ઉભરો ઠાલવ્યો
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાની લહેર આવી છે. કોરોનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને સોમવારે એક વર્ષ પૂર્ણ થયું છે, પણ એક વર્ષના અંતે જાણે હતાં ત્યાંને ત્યાં આવીને ઉભા હોય તેવી સ્થિતિ છે ત્યારે સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટોનો મારો ચલાવી સરકાર વિરુદ્ધ ઉભરો ઠાલવી રહ્યાં છે. એવી કોમેન્ટ થઇ રહી છે કેઃ હવે દેશમાં આ દિવસો ઉજવાય તો પણ નવાઇ નહીં, જેમ કે, ૨૨મી માર્ચ રાષ્ટ્રીય થાળી વાટકા વગાડો દિન, રાષ્ટ્રીય જનતા કરફ્યુ દિવસ, ૨૪મી માર્ચ રાષ્ટ્રીય લોકડાઉન દિન, ૫મી એપ્રિલ દિવડા-મીણબત્તી દિવસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ટી-ટ્વેન્ટી મેચ, દાંડીયાત્રા સહિતના જાહેર કાર્યક્રમ બાદ કોરોના વકર્યો છે ત્યારે લોકોએ સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરતી કોમેન્ટોનો મારો ચલાવ્યો છે. એટલું જ નહીં, ઘણાંએ તો કોરોનાનો હેપ્પી બર્થ ડે ઉજવી દીધો હતો. સોશિયલ મીડિયામાં સરકાર પર નિશાન તાકી એવી કોમેન્ટ થઈ રહી છે કે, કોરોનાનો વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો છે. તે રાત્રે જોઈ શકે છે એટલે જ રાત્રિ કરફ્યુ લદાયો છે. રેલી, ચૂંટણી સભા, સ્ટેડિયમમાં કોરોના ન થાય પણ એકલા કારમાં ફરો તો ય કોરોનાનો ભય ખરો... કોઈકે એવી પણ કોમેન્ટ કરી કે, કોરોના કેટલો સમજદાર છે, સરકાર ઇચ્છે ત્યારે જ એક્ટિવ થાય છે...
સચિવાલયમાં વધુ ૩ ધારાસભ્ય, ૭ અધિકારી કોરોનાગ્રસ્ત
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કહેરે સચિવાલયના સંકુલને પણ છોડ્યા નથી. મહુવાના ધારાસભ્ય મોહન ધોડિયા, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના અંગત સચિવ નીરજ પાઠક પણ કોરોના પોઝિટિવ થયા હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત સચિવાલયમાં આવેલી પ્રધાનમંડળની ઓફિસમાં કૃષિપ્રધાન આર.સી. ફળદુના પી.એસ. મહેશ લાડ, શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના પી.એસ. ધર્મજીત યાજ્ઞિક સહિત સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન ઇશ્વર પરમાર તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીના એક-એક ક્લાર્કને કોરોના પોઝિટિવ આવ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના કમાન્ડોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાનું સત્ર શરૂ થતાં જ રાજ્ય કક્ષાના સહકાર પ્રધાન ઇશ્વર પટેલ, દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ કોરોના સંક્રમિત થયા હતા. એ જ રીતે રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીના ૪ ક્લાર્કને, સામાજિક ન્યાય અધિકારીતાના પ્રધાન ઇશ્વર પરમારની ઓફિસના ૧ ક્લાર્કને તેમજ ૫ જેટલા અધિકારીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
પહેલી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષની વેક્સિન
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવીએ જણાવ્યુ છે કે, ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી ૧ એપ્રિલ ૨૦૨૧થી રાજ્યમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોવિડની રસી અપાશે. ડો. રવીએ ઉમેર્યુ કે, ૪૫ વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-19ની રસી આપવામાં આવશે. પહેલી એપ્રિલથી રોજ ૪૫થી ૫૯ વર્ષની વ્યક્તિઓને અન્ય બીમારી માટેનું ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી રહેશે નહીં. કોવિશિલ્ડ વેક્સિન અંગે માહિતી આપતા ડો. રવીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સીન-કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ચારથી આઠ અઠવાડિયાનું અંતર રાખવા જણાવાયુ છે.
કુલ ૪૧ લાખથી વધુને વેક્સિનેશન
અત્યાર સુધી ૩૪ લાખ ૯૪ હજાર ૨૭૭ લોકોને પ્રથમ ડોઝ અને ૬ લાખ ૯ હજાર ૪૬૪ લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને ૪૧ લાખ ૩ હજાર ૭૪૧નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ તેમજ ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ ૨ લાખ ૧૪ હજાર ૧૭૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
૮૩૧૮ એક્ટિવ કેસ, ૭૬ દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૯૦ હજાર ૩૭૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૪૪૫૮ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૨ લાખ ૭૭ હજાર ૬૦૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૮૩૧૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૬ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૮૨૪૨ દર્દીની હાલત સ્થિર છે.
કોરોનાનો આંક ઉપર - નીચે - ઉપર
ગત વર્ષે ૧૯ માર્ચે પ્રથમ કેસ નોંધાયા બાદ મે મહિનાથી કોરોનાના સંક્રમણની રફ્તાર પકડાઈ હતી અને સપ્ટેમ્બર માસમા તો સૌથી વધુ ૪૦ હજાર કરતાં વધુ કેસ નોંધાઇ ચૂક્યાં હતા. નવેમ્બર માસમાં કોરોનાનો દૈનિક કેસનો આંકડો સાત વખત ૧૫૦૦ને પાર અને એક વખત ૧૬૦૦ને પાર નોંધાયો હતો. ૩૦ નવેમ્બરે ૧,૫૦૨ કેસ નોંધાયા હતા જે ૩૧ ડિસેમ્બર સુધીમાં આ આંકડો ઘટીને ૭૮૦એ આવી ગયો હતો. ડિસેમ્બર મહિનાના ૩૧ દિવસમાં દૈનિક કેસ નોંધાવામાં સીધો ૫૩ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડો ફેબ્રુઆરી માસ સુધીમાં સાવ તળીએ એટલે કે, રાજ્યમાં દૈનિક કેસનો આંકડો માત્ર ૨૩૨એ આવી ગયો હતો. ત્યાર બાદ સંક્રમણ વધતા કેસ સતત વધવા લાગ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૮૮,૬૯૮એ પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫૪ નાગરિકોને કોરોના ભરખી ગયો છે. વિતેલા ૨૪ કલાકમાં ૧,૧૧૦ દર્દી સાજા થયાં છે. અત્યાર સુધીમાં કુલ ૨,૭૬,૩૪૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ મુજબ કુલ ૭,૮૪૭ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી ૭૩ દર્દી વેન્ટિલેટર પર છે.
૧,૭૩૦ થવામાં માત્ર ૪૨ દિવસ લાગ્યા..!
ગુજરાત સરકારને કોરોના કાબૂમાં લાવવવામાં જેટલો સમય લાગ્યો છે તેના કરતાં ફરી વકરાવવામાં ઘણો ઓછો સમય લાગ્યો છે. ૧,૬૦૭થી ઘટીને ૨૩૨ કેસ થવામાં ૭૩ દિવસ, ૨૩૨થી વધીને ૧,૬૪૦ થવામાં માત્ર ૪૨ દિવસ લાગ્યાં છે. ગુજરાતમાં દૈનિક કેસની ટોચ આ પહેલાં ૨૭મી નવેમ્બરે ૧,૬૦૭ કેસ સાથે થઈ હતી. ત્યાર બાદ ટોચ કરતા સૌથી ઓછા ૮ માર્ચે ૨૩૨ કેસ નોંધાયા હતા. આમ ૮૬ દિવસમાં દૈનિક કેસના આંકડામાં ૧,૩૭૫ કેસ એટલે કે, ૮૬ ટકા કેસનો ઘટાડો થયો હતો. બીજી ઈનિંગ શરૂ થતાં સોમવારે રેકોર્ડ બ્રેક ૧,૬૪૦ કેસ નોંધાયા છે. આમ માત્ર ૪૨ દિવસમાં જ તળીયે ગયેલા ૨૩૨ કેસમાં સીધો ૧,૪૦૮ એટલે કે, ૮૬ ટકા કેસનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૯મી માર્ચે રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ૨૫૪ દિવસે ૨૭ નવેમ્બરે દૈનિક કેસનો આંક ૧,૬૦૭એ પહોચ્યો હતો.


