અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરમાં કેદ થતાં ઘરકંકાસમાં વધારો નોંધાયો છે અને ઘરેલુ હિંસાની ફરિયાદો વધી છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં મહિલા સુરક્ષા માટેની સરકારની ૧૮૧ નંબરની હેલ્પલાઈન પર નોંધાયેલી ૩૨ ટકા જેટલી ફરિયાદો સામે ૨૩ માર્ચથી ૨૦મી એપ્રિલ સુધીમાં ૪૩.૬૪ ટકા ફરિયાદો ઘરેલુ હિંસાની નોંધાઈ છે. ગુજરાત સરકારની મહિલા સુરક્ષા માટેની ૧૮૧ નંબરની અભયમ્ હેલ્પ લાઈન પર ૧૯ એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાંથી ૮૦૭૮ જેટલી જુદી જુદી ફરિયાદો આવી હતી. તેમાં ડોમેસ્ટિક વાયોલન્સની એટલેકે ઘરેલુ હિંસાની-સ્ત્રી સામે અત્યાચાર, બોલાચાલી, મારામારી, શોષણની ૩૫૨૫ જેટલી ફરિયાદો આવી છે. આમ કુલ ફરિયાદોમાંથી ૪૩.૬૪ ટકા જેટલી ફરિયાદો તો ઘરેલુ હિંસાની છે. માર્ચ પહેલાના એટલે કે લોકડાઉન પહેલાના દિવસોમાં ઘરેલુ હિંસાની ૩૨.૮૩ ટકા જેટલી ફરિયાદો આવી હતી આમ આવી ૧૦ ટકા જેટલી ફરિયાદો વધી છે. સમગ્ર દેશની વાત કરીએ તો લોકડાઉન દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગને પણ ૫૮૭ ફરિયાદો મળી હતી જ્યારે ગુજરાત મહિલા આયોગના ચેરમેનના જણાવ્યા મુજબ લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં ઈમેઈલ દ્વારા ૧૭ જેટલી ઘરેલુ હિંસાની ફરિયાદો આવી છે.