ગાંધીનગરઃ ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ ત્રીજીએ સવારે ૧૨ વાગે એક પત્રકાર પરિષદ યોજી લોકરક્ષકના પેપર લીક કૌભાંડ અંગે માહિતી આપી હતી. રવિવારે સાંજે ૭.૩૦ વાગે નોંધાયેલી ફરિયાદ અંગે આશરે ૧૭ કલાક પછી માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે પેપર લીક મામલે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. એક મહિલાનો સમાવેશ થાય છે. પેપર દિલ્હીથી લીક થયું હતું. પરીક્ષાની આગલી રાત્રે દિલ્હીથી પેપરની જવાબવહી લઇને એક માણસ વડોદરા આવ્યો હતો. જ્યાંથી તે ગાંધીનગર આવી હતી. ઝડપાયેલી મહિલાએ આ જવાબવહી સાચી છે કે નહીં? તેની ખાતરી કરવા માટે ભરતી બોર્ડમાં કામ કરતા એક વાયરલેસ પોલીસ સબ ઇન્સપેક્ટરને મોકલી હતી. જેના કારણે સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો.
પોલીસે જે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમાં એક ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લુણાવાડાના એક માણસનું નામ ખૂલ્યું છે. જે હાલમાં ફરાર છે. આ માણસ જ દિલ્હીથી જવાબવહી લાવ્યાનું બહાર આવતાં પોલીસ તેને શોધી રહી છે. પેપર ક્યાંથી લીક થયુ અને કોણે કર્યું તે હકીકત બહાર આવી નથી.

