લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગુજરાતમાં ૧૬ બેઠકો જીતવાનો સંકલ્પ

Wednesday 04th July 2018 07:43 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની આવનારી ચૂંટણી માટે કવાયત શરૂ થઈ ચૂકી છે, જેમાં ૬ અર્બન બેઠકો અલગ તારવી ૨૦ બેઠકો માટે મરણિયો જંગ ખેલવાનું નક્કી થયું છે. પ્રાથમિક પૃથક્કરણ બાદ ૧૬ જેટલી બેઠકો જીતવાની કોંગ્રેસને આશા જાગી છે. જે ૬ અર્બન બેઠકો અલગ તારવવામાં આવી છે. તેમાં ગાંધીનગર, અમદાવાદ-પૂર્વ, અમદાવાદ-પશ્ચિમ, વડોદરા, સુરત અને નવસારી બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસને આ બેઠકો જીતવી અસંભવ લાગે છે, કેમ કે આ અર્બન બેઠકોમાં તેના બેઇઝનું છેલ્લા ૨૦ વર્ષોમાં ખાસ્સું ધોવાણ થઈ ચૂક્યું છે. છેલ્લા ૩૦-૩૨ વર્ષથી આ બેઠકો ઉપર ભાજપનું મજબૂત સામ્રાજ્ય છે અને શહેરી મતદારોને પોતાની તરફ આકર્ષવામાં કોંગ્રેસ પોતાને નબળો મહેસૂસ કરી રહ્યો છે. તદુપરાંત આ બેઠકો ઉપર પરાજયનું માર્જિન બમણા મતો કરતાંય ઘણો વધુ છે. જાણકાર સૂત્રો કહે છે કે, અન્ય ૨૦ બેઠકો ઉપર મજબૂત ઉમેદવાર કોંગ્રેસ મૂકશે તો આ પૈકી ૧૬ જેટલી બેઠકો જીતી શકાય તેમ છે. વર્ષ ૨૦૦૪માં લોકસભાની યોજાયેલી ચૂંટણી વખતે કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી અને વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે ૧૧ બેઠકો કોંગ્રેસને ફાળે આવી હતી, એટલે આ ૧૧-૧૨ બેઠકો ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, અમરેલી અને પંચમહાલ બેઠકો ઉપર એડીચોટીનું જોર લગાડવામાં આવે તો જીતી શકાય તેમ હોવાનું કોંગ્રેસના એક નેતા જણાવી રહ્યાં છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter