અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો રવિવારે પૂરો થતાંની સાથે જ સત્તાનું સટ્ટાબજાર ગરમાઈ ગયું હોવાના અહેવાલ છે. ચૂંટણીના તમામ તબક્કામાં રમાયેલા સટ્ટાનો આંકડો અંદાજે રૂ. ૨ લાખ કરોડને આંબી જવાની ધારણા છે. બુકીબજાર કહે છે કે, ભાજપ સરકાર બનાવે તો ભાવ ૪૦ પૈસા ચાલી રહ્યો છે અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તે અનુમાન લગાવાઈ રહ્યું છે. આમાં ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હોટ ફેવરિટ હોવાનું દેશના સટ્ટાબજારનું કેન્દ્ર ગણાતા મુંબઈના બુકીઓનું માનવું છે.
મુંબઈના મોટા બુકીઓ તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી દરમિયાન બેઠકો આધારિત સટ્ટા લઈ રહ્યા છે. જેમાં ભાજપ ૨૩૫ બેઠકો મેળવે તેનો ભાવ ૩૨ પૈસા, ૨૪૦ બેઠકો પર ૫૨ પૈસા, ૨૫૦ બેઠક આવે તો રૂ. ૧.૦૫ ભાવ બોલાઈ રહ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ જો ૬૦ બેઠક મેળવે તો ૨૭ પૈસા, ૬૫ બેઠક પર ૬૫, ૭૦ બેઠક પર ૮૦, ૭૫ બેઠક પર રૂ. ૧ અને ૮૦ બેઠક પર રૂ. ૧.૩૦નો ભાવ બોલાયો હોવાનું કહેવાય છે. દેશના મુખ્ય બે પક્ષની સ્થિતિએ ભાજપ ભારે રહેશે એમ માની હાલ બુકીઓ સટ્ટો લઈ રહ્યાનું જાણવા મળ્યું છે.
બુકીઓનું માનવું છે કે લોકસભા ચૂંટણીના ચોથા-પાંચમા તબક્કામાં બેઠકોની સંખ્યામાં ચઢાવ-ઉતારમાં અંદાજે ૫થી ૧૦ ટકાનો ફેરફા જોવા મળશે. છેલ્લા તબક્કાના ચઢાવઉતારને ધ્યાનમાં રાખીને ભાજપ ૨૩૯થી ૨૪૧ સીટ અને કોંગ્રેસ ૭૯-૮૧ની આસપાસ બેઠક મેળવશે. આ સાથે સટ્ટાબજારના અન્ય સોદામાં ભાજપ એકલા હાથે ૨૭૨ બેઠકો મેળવે અને એકલે હાથે સરકાર બનાવે જેની ખૂબ શક્યતા ઓછી જણાતી હોઈ તેના ભાવ રૂ. ૩.૫૦ બોલાઈ રહ્યા છે, પરંતુ ભાજપ તેના સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવે તેવી મજબૂત સંભાવનાને કારણે તેનો ૧૨ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે એમ જાણવા મળ્યું છે. આમ, ભાજપ અને સાક્ષી પક્ષો સરકાર બનાવશે તેવી પ્રબળ સંભાવનાને આધારે સટ્ટો ખેલાઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ ૨૭૨ બેઠક મેળવે અને સરકાર બનાવે તેવી સંભાવના લગભગ નહિવત હોવાથી તેમાં સટોડિયામાં રૂ. ૧નો ભાવ ચાલી રહ્યો છે. આ સાથે યુપીએ દ્વારા સરકાર રચાય તે શક્યતાનો ભાવ ૫૦ પૈસા અને મહાગઠબંધનનો ભાવ ૮૦ પૈસા ચાલી રહ્યો હોવાનું મુંબઈના બુકી વર્તુળો જણાવી રહ્યા છે.

