ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ તરીકે ચૂંટાયેલા રાજ્યના ૪ ધારાસભ્ય ૬ જૂને ધારાસભ્યપદેથી રાજીનામું આપશે. પરબત પટેલ, અમદાવાદ પૂર્વમાંથી જીતેલા અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, પાટણમાંથી જીતેલા ભરતસિંહ ડાભી અને પંચમહાલના રતનસિંહ રાઠોડ તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. એક તરફ રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા ભાજપને તોડજોડ કરવી પડે તેવી સ્થિતિ છે ત્યારે પેટાચૂંટણીમાં ભાજપના ૪ ધારાસભ્ય જીતવા છતાં રાજીનામાને કારણે ૪ ધારાસભ્યોની ઘટ ભાજપને વર્તાશે. સાંસદ બનેલા ચાર ધારાસભ્ય રાજીનામું આપતા ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ થશે. પરબત પટેલ, હસમુખ પટેલ અને ભરતસિંહ ડાભી ભાજપના ધારાસભ્ય હતા અને આ વખતની લોકસભા ચૂંટણી જીત્યા હતા.
રાજ્યસભા ચૂંટણી સુધી રૂપાણી-પટેલને નહીં મળવા કોંગ્રેસી ધારાસભ્યોનો નિર્ણય
રાજ્ય પ્રદેશ કોંગ્રેસની કારોબારી અને વિધાનસભા પક્ષની એક બેઠક રવિવારે પ્રદેશ કાર્યાલયમાં મળી હતી.
આ બેઠકમાં અફવા ફેલાય નહીં એટલે રાજ્યસભાની ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ ધારાસભ્યએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળવા જવું નહીં તેવી સ્વૈચ્છિક આચારસંહિતા પાળવી તેવું નક્કી કરાયું હતું. વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપમાં જવા માગતા કોંગ્રેસના કોઈ પણ ધાાસભ્યને બેન્ડવાજા સાથે વિદાય અપાશે.
બેઠકમાં થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્ય રોડ મંજૂર કરવાના જોબ નંબર લેવા જતા તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વાત બહાર આવી હતી. આ ઘટનાની કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. ચર્ચાના અંતે એવું નક્કી થયું હતું કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા ખોટી અફવા ફેલાય તેના કરતાં રાજ્યસભાની ચૂંટણી સુધી વિજયભાઈ રૂપાણી, નીતિન પટેલ કે અન્ય પ્રધાનોને મળવા જવું નહીં.

