અમદાવાદઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોન્સોર્ટિયમ પાસેથી રૂ. ૧૦૮૦ કરોડની લોન લેવા અન્યની મિલકતો ચાલાકીપૂર્વક મોર્ગેજ તરીકે મૂકનાર મુંબઇના ભદ્રેશ મહેતાને ત્રીજી જૂને ગુજરાત એટીએસએ અમદાવાદના એરપોર્ટ સર્કલ પરથી ઝડપી લીધો હતો. અમદાવાદ દહેગામ વિસ્તારના જમીન લોન કૌભાંડમાં ધરપકડ કરાયેલા ભદ્રેશને બે દિવસના રિમાન્ડ પર લેવા ચોથીએ અદાલતે આદેશ કર્યો હતો.
ભદ્રેશ મહેતાએ રાજકોટની એસબીઆઇની કોમર્શિયલ બ્રાન્ચની આગેવાની ધરાવતી ૧૧ બેંકોની કોન્સોર્ટિયમ પાસેથી જંગી રકમની લોન ભરપાઇ કરી નથી. તેથી ૨૦૧૬માં જ લોન એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ) અને ભદ્રેશને ડિફોલ્ટર જાહેર કરાયો છે. જોકે મુદ્દાની વાત એ છે કે રૂ. ૧૦૮૦ કરોડની લોન માટે ભદ્રેશ અને તેના સાગરિતો લોકોને ૧ ટકાના વ્યાજે કરોડોની લોન આપવાની લાલચ આપતા હતા. કોઇ વ્યક્તિ લોન માટે ફસાય એટલે તેની મિલકતના દસ્તાવેજો પર સહી કરાવીને બેંકોમાં મોર્ગેજ કરી દેતા હતા.
દહેગામના અલ્પેશ પશાભાઇ અમીનને પણ ભદ્રેશ અને તેના સાગરિતોએ રૂ. ૩ કરોડની લોન ૧ ટકાના વ્યાજે અપાવવાની લાલચ આપીને તેમની મિલકતના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. અમીનને માત્ર ૧ કરોડની જરૂર હતી તો પણ ૩ કરોડની લોન આપવાની લાલચ આપી હતી. આ પ્રકારે નાના ચિલોડાના એક રબારીને પણ લોન આપી હતી તેની સાથે અમીનની મુલાકાત કરાવાતા તેઓ પ્રભાવિત થઇ ગયા હતા. અમીને સંમતિ આપતા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તાબડતોબ ફ્લાઇટમાં મુંબઇથી દહેગામ આવ્યા હતા અને જરૂરી દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. જોકે અમીનને લોન પેટે આરટીજીએસથી માત્ર રૂ. ૨૫ લાખ રૂપિયા જ મળ્યા હતા અને બાકીનો રૂ. ૨૫ લાખનો ચેક ભદ્રેશના અન્ય એક સાગરિતની કંપની દ્વારા અપાયો હતો. આ ચેક રિટર્ન થતાં અમીનને ભાન થયું હતું કે તેઓ છેતરાયા છે. તેથી તેમણે દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ એસઓજીને સોંપાઈ હતી. જોકે અમીનના કહેવા મુજબ એસઓજીએ યોગ્ય તપાસ ન કરતાં આખરે આ તપાસ સીઆઇડીને અપાઈ હતી. જેને પગલે ગુજરાત એટીએસએ બાતમીના આધારે ભદ્રેશ શાહને ત્રીજી જૂને ઝડપી લીધો હતો. અમીનની મિલકતો ગીરવે મુકી મુંબઇની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી કુલ રૂ. ૭૫ કરોડની લોન લેવામાં આવી હતી. જેના આધારે આખા કૌભાંડની તપાસ ચાલે છે. મુંબઇ સ્થિત ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડનો કર્તાહર્તા ભદ્રેશ મહેતા લોઅર પરેલમાં વૈભવી ઓફિસેથી કપાસની નિકાસનો ખૂબ મોટો કારોબાર કરે છે. મૂળ ભૂજના વતની ભદ્રેશનો જન્મ મુંબઇમાં થયો છે. દહેગામમાં થયેલી ફરિયાદના ઉલ્લેખ મુજબ બેંકમાંથી લોન મેળવવા માટે અન્યની મિલકતો મોર્ગેજ મુકાવાના આ કોભાંડમાં અન્ય દસ આરોપીઓ છે. જેમાંથી ડિમ્પલ શાહ (નવરંગપુરા), સંતોષ કૈલાશનાથ ચૌહાણ (ઇસનપુર), જીગર (ગીતામંદિર), સોમાભાઇ સુંદરભાઇ મીણા (મણિનગર) અમદાવાદના રહેવાસી છે. ભદ્રેશ મહેતાની એક કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ સત્યમ ખરા મંબઈના લોઅર પરેલમાં વૈભવી જીવન જીવે છે. ભદ્રેશ વસંતભાઇ મહેતા, પાર્થ ભદ્રેશ મહેતા, હીના ભદ્રેશ મહેતા આ ત્રણે મનજી એપાર્ટમેન્ટ, એનડીરોડ મુંબઇમાં રહે છે. આ કાંડમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈની લોઅર પરેલ શાખાના મેનેજર ડી. કે. ગુપ્તા, અમદાવાદની આશ્રમરોડની શાખાના મેનેજર ભાનુપ્રસાદ વાણિયા અને અમદાવાદની નારણપુરા શાખાના કર્મચારી મહેન્દ્ર બી શાહની પોલીસ તપાસ ચાલે છે. આ કેસમાં અગાઉ જીગરની ધરપકડ થઇ ચૂકી છે.
કચ્છમાં પણ કૌભાંડ
ભદ્રેશે કચ્છનાં અનેક વિસ્તારોની જમીનમાં ગેરેંટર તરીકે જમીનનાં મોટા વેલ્યુએશન કરીને કચ્છની બેંકોમાંથી પણ અબજો રૂપિયાની લોન લીધી હોવાની શંકા છે. ભદ્રેશ ટ્રેડીંગ કંપની કચ્છનાં છેવાડાનાં વિસ્તારમાં સીમેન્ટ પ્રોજેક્ટ સ્થાપવા માટે થોડા વર્ષ પહેલા સક્રિય થઈ હતી અને સ્થાનિક નેતા-અધિકારીઓ સાથે ધરોબો વધાર્યો હતો. લોનનાં ઓવર વેલ્યુએશનનાં મસમોટા આ કૌભાંડમાં જિલ્લાનાં સ્થાનિક તલાટી સહિતનાં કેટલાક મહેસૂલી કર્મચારી, અધિકારીની સામેલગીરી હોવાની શકયતા નકારી શકાતી નથી.


