ગાંધીનગરઃ ડીસાના કાર્યક્રમમાં ભાગ લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવાઇમાર્ગે ગાંધીનગર આવ્યા હતા. જ્યાંથી તેઓ બાય રોડ રાયસણ સ્થિત મોટા ભાઇના નિવાસસ્થાને માતૃશ્રી હિરાબાને મળવા ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ત્યાં વડા પ્રધાને માતૃશ્રી સાથે ભોજન લીધું હતું. અડધો કલાક રોકાયા બાદ ત્યાંથી વડા પ્રધાન પ્રદેશ ભાજપના વડા મથક કમલમ્ જવા માટે રવાના થયા હતા. વડા પ્રધાને બપોરે સવા કલાકે હેલિકોપ્ટર મારફત સચિવાલય સ્થિત હેલીપેડ ખાતે ઉતરાણ કર્યુ હતું.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે વડા પ્રધાન સચિવાલયથી સીધા જ બાય રોડ કમલમ્ પહોંચવાના હતા. પરંતુ તેઓ કમલમના બદલે પ્રથમ રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝમાં રહેતા તેમના માતૃશ્રી હિરાબાને મળવા પહોંચી ગયા હતા. વડા પ્રધાને માતૃશ્રી હિરાબા સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન તેઓએ તેમની સાથે ભોજન પણ કર્યું હતું. અડધો કલાક રોકાયા બાદ વડા પ્રધાન સીધા જ કમલમ્ જવા નીકળી ગયા હતા. જ્યાં તેઓએ અગાઉના કાર્યક્રમ પ્રમાણે ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી હતી.


