અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી અને પાંચમી માર્ચ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે હતા. મેટ્રોનાં પ્રથમ ચરણનું ઉદ્ધાટન સહિતનાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રાત્રીરોકાણ રાજભવન ગાંધીનગરમાં કર્યું હતું. પાંચમીએ સવારે મોદીએ ગાંધીનગરનાં અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અડાલજમાં શ્રી અન્નપૂર્ણા ધામ, વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્ત્વ મંદિરની મંગળવારે મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. મોદી શિક્ષક અને વિદ્યાર્થી ભવનનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે અડાલજ પહોંચ્યા ત્યારે અનેક મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. આ તકે મંચ પર રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, રાજકીય નેતા નરહરી અમીન, કરશનભાઇ પટેલ, વલ્લભભાઇ કથીરીયા, દિનેશ કુભાણી, સુરેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, દિલિપ સંઘાણી પણ હાજર હતા.
મુખ્ય મહેમાનોમાં સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઈ પટેલને મોદી ઉમળકાથી મળ્યા હતા અને મોદીએ મંચ પર કેશુભાઈ પટેલનાં પગે લાગીને આશીર્વાદ લીધા હતાં. મોદી કેશુભાઈ પટેલને પગે લાગતાં હોય તેવો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. આ ઘટનાને અનેક રાજકીય પંડિતો અનેક રીતે મૂલવી રહ્યા છે. વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીથી નારાજ હતા ત્યારે પણ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતી પછી આશીર્વાદ લેવા માટે કેશુભાઈનાં નિવાસ સ્થાને રૂબરૂ ગયા હોવાની ઘટના બની ચૂકી છે.
મોદીએ અહીં કહ્યું હતું કે, જો ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય, ભક્ત જો શિક્ષક હોય તો ભગવાન મા સરસ્વતી હોય, ભક્ત જો રૂપિયામાં રાચતો હોય તો ભગવાન લક્ષ્મી મા હોય અને ભક્ત જો ખેડુ હોય તો ભગવાન દેવી અન્નપૂર્ણા હોય.