અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો કાર્યક્રમ અગાઉ મુલતવી રહ્યો હતો. હવે પરિસ્થિતિ સામાન્ય બની જતાં રદ કરાયેલો કાર્યક્રમ પુન: ૨૩મી ઓગસ્ટે ગોઠવાયો છે. મોદી ૨૩મીએ સવારે આવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી એ જ દિવસે સાંજે પરત દિલ્હી જશે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં વડા પ્રધાન બે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તેમજ આવાસ યોજના હેઠળ મકાનો લાભાર્થીઓને ફાળવશે. ઉપરાંત, ધરમપુરમાં પાણી પુરવઠા જૂથ યોજનાનું તેઓ લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ જૂનાગઢ જશે. જયાં મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરશે.
૨૩મીએ સાંજે તેઓ ગાંધીનગર આવી જશે. જયાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી આપશે. જે પૂર્ણ થયા બાદ અમદાવાદ એર પોર્ટ પરથી જ હવાઈ દળનાં ખાસ વિમાનમાં દિલ્હી જવા રવાના થશે. વડા પ્રધાનને પોતાના એક દિવસનાં પ્રવાસ દરમિયાન જ્યારે પણ સમય મળશે મુખ્ય પ્રધાન સહિતના ટોચના નેતાઓ સાથે રાજકીય સ્થિતિનો ચિતાર મેળવશે. તેમજ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીની પણ
ચર્ચા કરશે.


