અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવા આખોય માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં હોળી-ધૂળેટી બાદ ભાજપ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેમાંય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેર સભા યોજવા આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોના મતે, ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત લઈ મેટ્રો ટ્રેન સહિત વિવિધ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે હોળી-ધૂળેટી બાદ ભાજપ જોરશોરથી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરશે. નરેન્દ્ર મોદી રોડ શો ઉપરાંત દસેક જાહેરસભાને ય સંબોધી મોટાભાગના મતવિસ્તારોને આવરી લેવા પ્રયાસો કરશે. ગત વખતની જેમ આ વખતે પણ નરેન્દ્ર મોદી સમગ્ર ભારતના મતદારોને સુધી પહોંચવા ડિજિટલ સભાને સંબોધશે.
અમિત શાહ ઉપરાંત સ્મૃતિ ઈરાની, અરુણ જેટલી સહિતના ૩૦થી વધુ સ્ટાર પ્રચારકો જાહેર સભાને સંબોધી ગુજરાતને ઘમરોળશે. ભાજપે ચૂંટણી પ્રચાર કરવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.


