વડા પ્રધાન બન્યા બાદ વાજપેયીએ પ્રમુખસ્વામીના આશીર્વાદ લીધાં હતાં

Wednesday 22nd August 2018 07:58 EDT
 
 

અમદાવાદઃ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૧૭મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજ અંતિમ સંસ્કાર થયા હતા. બરાબર તેના બે વર્ષ બાદ એ જ દિવસે ૧૭મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાજનેતા અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર થયા. આ એક સંયોગ હતો, પણ વાજપેયીએ દેશના વડા પ્રધાન બન્યા પછી પૂજ્ય પ્રમુખસ્વામીનાં આશીર્વાદ લીધાં હતાં. વાજપેયીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ બીએપીએસના સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, ચોથી મે ૧૯૯૮ના રોજ વડા પ્રધાન બન્યાના દોઢ મહિનામાં જ વાજપેયીજી ગાંધીનગર આવ્યા હતા. તે વખતે સ્વામીબાપાના આશીર્વાદ લીધાં હતાં. આ સમયે સ્વામીજીએ વડા પ્રધાનને માળા તથા ફૂલોનો હાર પહેરાવ્યો હતો.
વાજપેયીજીએ ત્યારે જણાવ્યું હતું કે, આપણાં દેશનાં કણ-કણમાં ભક્તિ છે ત્યારે અમે બધા સાથે રહીને દેશનાં લોકોની સેવા કરીએ તે માટે આપના આશીર્વાદની જરૂર છે. આ પ્રસંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે, આપને જીવનમાં શ્રદ્ધારૂપી પુષ્પની સુવાસ પ્રાપ્ત થાઓ. સંપ, સુહૃદભાવ અને એકતાની સુવાસ તમે સમગ્ર રાષ્ટ્રમાં પ્રસરાવો. આપના જેવા દૃઢ નિષ્ઠાવાળા વ્યક્તિ દેશનું ઘણું ભલું કરી શકશે.
સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, એક વાર પ્રમુખસ્વામી મહારાજ ઇઝરાયેલની ધર્મયાત્રાએ હતા ત્યારે રાષ્ટ્રહિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો. તે વખતે તત્કાલીન નેશનલ સિક્યુરિટી એડવાઈઝર બ્રિજેશ મિશ્રાને તેમણે પૂજ્ય સ્વામીબાપા પાસે મોકલ્યા હતા.
બાદમાં બન્ને મહાનુભાવો વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો હતો. સ્વામીજીએ વાજપેયીજીને કાર્યમાં સફળતાના આશીર્વાદ આપ્યા હતા. એ જ રીતે ગાંધીનગર પર આતંકવાદી હુમલો થયો ત્યારે તે ઘટનાના સમાચાર તત્કાલીન વડા પ્રધાન વાજપેયીને માલદિવ્ઝમાં મળ્યા હતા તો તેઓ તરત જ પોતાનો વિદેશ-પ્રવાસ ટુંકાવીને પરત આવી ગયા હતા અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ સીધા ગાંધીનગર આવી પહોંચ્યા હતા. અક્ષરધામ સંકુલ જોઈને તેઓનું હૃદય દ્રવી ઊઠ્યું હતું.
માળા-હાર અર્પણ
બોચાસણવાસી અક્ષર-પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના અધ્યક્ષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા વાજપેયીજીના પાર્થિવ દેહને અર્પણ કરવા માટે પ્રમુખસ્વામીજીના સ્મરણ સાથેની પ્રસાદીની માળા અને હાર મોકલાવ્યા હતાં.
પૂજ્ય મહંતસ્વામી વતી સાધુ બ્રહ્મવિહારીદાસજીએ વાજપેયીજીના દિલ્હીના નિવાસસ્થાને અંતિમ દર્શન કરીને પ્રસાદીની માળા અને હાર શ્રદ્ધાંજલિપૂર્વક અર્પણ કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter