ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે શનિવાર અને રવિવારના રોકાણ દરમિયાન તેઓ કચ્છના ભૂજમાં વિવિધ પ્રોજેક્ટના લોકાપર્ણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત દરમિયાન ભૂજમાં તેમના સ્વાગત માટે પોણા ત્રણ કિલોમીટરના રોડ- શોનું પણ આયોજન થઈ રહ્યુ છે. બે દિવસના રોકાણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ખાદી વસ્ત્રના પ્રોત્સાહન માટે આયોજીત ચરખા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહશે. તદ્ઉપરાંત ભારત સરકાર દ્વારા મહાત્મા મંદિરમાં અન્ય એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોવિડ-19ની મહામારી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ નિમિત્તે સ્થાનિક વહિવટી તંત્ર તરફથી પોણા ત્રણેક કિલોમીટર લાંબા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ છે. રવિવારે તેઓ કચ્છમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં 10 વર્ષથી તૈયાર કરવામાં આવી રહેલા સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તદ્ઉપરાંત કચ્છની સરહદ ડેરી દ્વારા તૈયાર થયેલા પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.


