ગાંધીનગર: વડા પ્રધાન મોદી પોતાના 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ગયા શનિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ અમદાવાદીઓને અટલ ફૂટ ઓવર બ્રિજની ભેટ આપી હતી. જે બાદ વડા પ્રધાન મોદી ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાને મળવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી સપ્ટેમ્બર માસમાં વડા પ્રધાનનો જન્મ દિવસ આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને દેશના વડા પ્રધાનનો ગુજરાત પ્રવાસ વધી ગયો છે. હજુ ગયા સપ્તાહમાં તેઓ ગુજરાત આવ્યા હતા. તેમણે ગિફ્ટ સિટી અને હિંમતનગર સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
છેલ્લે તેઓ હિરાબા એક્સો વર્ષના થયા ત્યારે તેમના જન્મદિને માતાને ખાસ મળવા માટે ગાંધીનગરમાં રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ માતાા ચરણ પખાળ્યા હતા અને આશીવર્ચન લઈને માતા સાથે ભોજન પણ લીધું હતું. વડા પ્રધાન મોદીની માતા સાથેની મુલાકાતને પગલે ગાંધીનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ સાથે પ્રોટેક્શન બ્રાન્ચના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. માતાને મળ્યા બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા અને ત્યાં રાત્રિરોકાણ કર્યું હતું.


