અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૦ વર્ષ પૂરાં કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે તે નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ‘સેવા સપ્તાહ’ ઉજવાશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે આ અભિયાનનો આરંભ કરાવ્યો છે. ગુજરાતમાં પણ પ્રમુખ સી. આર. પાટિલના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમો શરૂ થયાં છે. આ કાર્યક્રમોમાં મુખ્યત્વ હાલની કોરોનાની સ્થિતિને અનુલક્ષી સ્થાનિક સ્તરે ૭૦ કોરોનાથી મુક્ત થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા તેમજ યુવા મોરચા દ્વારા દરેક વોર્ડ દીઠ સરેરાશ ૭૦ વ્યક્તિ બ્લડ ડોનેટ કરે એવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દરેક મંડલમાં ઓછામાં ઓછા ૭૦ દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને સાધનસહાય, ૭૦ ગરીબ ભાઈ-બહેનોને આવશ્યક્તા અનુસાર ચશ્માનું વિતરણ, દરેક જિલ્લા મહાનગરમાં ૭૦ સેવા વસ્તી તેમજ નોન કોવિડ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર ફળ વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરાશે.
વડા પ્રધાનની વર્ષગાઠે એક લાખ મહિલા જૂથોને રૂ. ૧૦૦૦ કરોડની વગર વ્યાજની લોન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૭મી સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠે મુખ્ય પ્રધાન મહિલા ઉત્કર્ષ યોજના જાહેર કરવાનું નક્કી કર્યું છે. આ યોજનામાં પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલા ધરાવતા, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૦-૫૦ હજાર મળીને કુલ ૧ લાખ જોઇન્ટ લાયેબિલિટી એન્ડ અર્નિંગ ગ્રૂપ બનાવાશે. આવા જૂથોને કુલ રૂ. ૧૦૦૦ કરોડ સુધીનું બેંકો મારફત ધિરાણ અપાવશે. તમામ વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન-ધિરાણ માટે સ્ટેમ્પ ડયૂટીમાં પણ માફી અપાશે.
શહેરોમાં ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન અને ગામડાંમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આ યોજનાનો અમલ થશે. આ યોજનામાં પ્રત્યેક મહિલા જૂથને સરકારી, સહકારી અને ખાનગી બેંકો તથા ધિરાણ સંસ્થાઓ મારફત રૂ. ૧ લાખની લોન અપાશે. રાજ્યમાં અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૨.૫૧ લાખ અને શહેરી વિસ્તારોમાં ૨૩૭૭૬ જેટલા સ્વસહાય જૂથ-સખી મંડળો છે તેમને ૨૦૧૯-૨૦માં રૂ. ૪૨૮.૭૨ કરોડનું ધિરાણ અપાયેલું છે.
આમાંથી કોને ઓળખો છો?
૧. સોમાભાઈ (૭૫ વર્ષ) - નિવૃત્ત આરોગ્ય અધિકારી, ૨. અમૃતભાઈ (૭૨ વર્ષ) નિવૃત્ત ખાનગી ફેક્ટરી કામદાર, ૩. પ્રહલાદ (૬૪ વર્ષ) રેશન શોપ, ૪. પંકજ (૫૮ વર્ષ) માહિતી ખાતામાં નોકરી, ૫. ભોગીલાલ (૬૭ વર્ષ) કરિયાણાની દુકાન, ૬. અરવિંદ (૬૪ વર્ષ) ભંગારનો ધંધો, ૭. ભરત (૫૫ વર્ષ) પેટ્રોલપંપ પર નોકરી, ૮. અશોક (૫૧ વર્ષ) પતંગ અને કરિયાણાની દુકાન, ૯. ચંદ્રકાંત (૪૮ વર્ષ) ગૌશાળામાં નોકરી, ૧0. રમેશ (૬૪ વર્ષ) કોઈ માહિતી નથી, ૧૧. ભાર્ગવ (૪૪ વર્ષ) કોઈ માહિતી નથી, ૧૨. બિપીન (૪૨ વર્ષ) અમદાવાદની એક લાઇબ્રેરીમાં ફરજ બજાવે છે.
• ઉપરના ૧થી ૪ ક્રમના લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સગાભાઇ છે.
• નંબર ૫થી ૯ સુધીના લોકો વડા પ્રધાનના સગા કાકા નરસસિંહદાસ મોદીનાં પુત્રો અને વડા પ્રધાન મોદીનાં પિતરાઈ ભાઈઓ છે.
• નં ૧૦ - રમેશ જગજીવનદાસ મોદી, નં. ૧૧ - ભાર્ગવ કાન્તિલાલ મોદી અને નં ૧૨ - બિપિન જયંતીલાલ મોદી વડા પ્રધાનના કાકાના પુત્રો છે.
• વડા પ્રધાનના એક ભાઈ અરવિંદ ભંગારનો ધંધો કરે છે. તક મળે તો મોદીસાહેબના અરવિંદભાઈ પાસેથી તમે ટીનના જૂના વાસણો ખરીદી શકો છો તો મોદીસાહેબનો એક ભાઈ અશોક પતંગનો ધંધો કરે છે. વડનગરમાં એસ્સાર પેટ્રોલ પમ્પ પર તમારા વાહનમાં વડા પ્રધાનના એક ભાઈ ભરતભાઈ પાસે પેટ્રોલ પણ પુરાવી શકો! ભરતભાઈ ત્યાં પેટ્રોલ પુરવાની નોકરી કરે છે! દરેક ને નવાઈ થાય કે મોદીસાહેબના ભાઈ તમારી કારમાં તેલ ભરી રહ્યા છે.
• વડનગરમાં મોદીસાહેબનાં ભાભી ઘીકાંટા બજારમાં આપને કરિયાણુ વેચતા પણ જોવા મળશે.
ઉપરોક્ત લખાણનું તાત્પર્ય માત્ર એટલું છે કે મોદી પરિવારના ઉપરોક્ત સભ્યો વડા પ્રધાન મોદીના કૌટુંબિક હોવા છતાં તેઓ સાવ સામાન્ય જિંદગી જીવે છે. જ્યારે મોટાભાગના રાજકારણીઓ સ્વાર્થીપણું અપનાવીને પોતાના પરિવારના સભ્યોને માલામાલ કરી રહ્યાં છે ત્યારે એક આખા દેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરિવારને સમૃદ્ધ કરવાને બદલે આખા દેશને પરિવાર ગણી દેશની ઉન્નતિ માટે પ્રયાસ કરતા હોવાથી તેમની લોકપ્રિયતા વધી રહી છે.