અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યુ એન મહેતા ઈન્સ્ટિટયૂટમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદય રોગ નિદાન બિલ્ડિંગનું વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં લોકાર્પણ કરશે. આગામી સમયમાં વડા પ્રધાનની સંભવિત મુલાકાતને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૨૧મી ઓગસ્ટે હોસ્પિટલની મુલાકાત લઈને સ્વાસ્થ્ય સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું નિરીક્ષણ કર્યું હતું. આમ તો માર્ચ, ૨૦૨૦માં વડા પ્રધાનના હસ્તે આ બિલ્ડિંગનું લોકાર્પણ થવાનું હતું, પણ લોકડાઉનના લીધે કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, યુ એન મહેતા ઈન્સ્ટિટયૂટમાં જ વિસ્તૃતિકરણ કરીને બાળ હૃદય રોગ નિદાન માટે નવીન બિલ્ડિંગ થયું છે તેનું ટૂંક સમયમાં જ વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ થશે.
તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોનાના દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપીને સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ સાથે યુ એન મહેતાની નવનિર્મિત બિલ્ડિંગનો પણ બે મહિના સુધી ઉપયોગ થયો હતો. ઉપરાંત લોકડાઉન દરમિયાન બિલ્ડિંગનું લોકાર્પણ પણ મોકૂફ રખાયું હતું.