વડા પ્રધાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લાઇટિંગનો રાત્રિ નજારો માણશે

Wednesday 27th November 2019 05:19 EST
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડિસેમ્બર માસમાં મોદી ગુજરાતની મુલાાકાતે આવી શકે છે. કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન અન્ય પ્રોજેક્ટ ખુલ્લા મૂકશે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી લાઇટિંગનો અદભુત નજારો જોવા પણ વડા પ્રધાને ઇચ્છા વ્યક્ત કરી છે. એ પ્રમાણે નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં રાત્રિરોકાણ કરીને લાઇટિંગનો નજારો પણ માણી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હજુ ઘણાં પ્રોજેક્ટ આકાર પામી રહ્યાં છે. જંગલ સફારી પાર્ક સહિત અન્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે. આ નવા આકર્ષણ પ્રવાસીઓ માટે નજરાણું બની રહેશે. અત્યારે રોજના હજારો પ્રવાસી ગુજરાતભરમાંથી નહીં પણ દેશભરમાંથી આવી રહ્યાં છે તે જોતાં પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે માટે પણ વડા પ્રધાન કાર્યાલયથી ફિઝીબિલીટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે.
હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાત્રે લેસર શો અને રંગબેરંગી લાઇટોનો અદભુત નજારો માણવો એ પણ એક લહાવો બની રહ્યો છે. ખુદ વડા પ્રધાન પણ આ અદભુત નજારો જોવા ઇચ્છુક છે. તેથી અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જોકે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત અને કેવડિયા કોલોનીની મુલાકાતની કાર્યક્રમની તારીખ નક્કી થઈ નથી અને પીએમઓ સાથે તેની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં યુ. એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટનું નવું બિલ્ડીંગ લગભગ તૈયાર છે. આ નવનિર્મિત બિલ્ડીંગનું પણ મોદીના હસ્તે લોકાર્પણ થાય તેનું આયોજન પણ વિચારાઈ રહ્યું હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter