ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જુલાઈએ વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરની એક દિવસીય મુલાકાત લેશે. વડા પ્રધાન કચેરીએ મોદીના એક દિવસના ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમોની રૂપરેખા મોકલતાં રાજ્યના વહીવટીતંત્રમાં દોડધામ મચી છે.
બીજી તરફ અમિત શાહ પછી મોદીની ગુજરાત મુલાકાતને લોકસભા ચૂંટણીની તૈયારી સ્વરૂપે જોઈ રહેલા નેતાઓમાં રાજકીય ઉત્તેજના વધી છે. ૨૦મી જુલાઈની સવારે નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતમાં વલસાડથી રાજ્યભામાં તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના એક લાખથી વધુ મકાનોમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવશે. આ સાથે જ કપરાડા પાણી જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ બપોરે બે વાગ્યે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં નવનિર્મિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને સાંજે ઉત્તર ગુજરાતના ગાંધીનગરમાં એફએસલ યુનિવર્સિટી સમારોહમાં ઉપસ્થિત રહેશે. આમ, વડા પ્રધાન એક જ દિવસમાં રાજ્યના ત્રણેય ભૌગોલિક વિસ્તારોમાં પ્રવાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પરત જતાં પૂર્વ ૨૦મી જુલાઈની સાંજે મોદી સમક્ષ રાજભવનમાં ગુજરાતમાં ચાલી રહેલા મહત્ત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ સંદર્ભે રાજ્ય સરકાર પ્રેઝન્ટેશન રજૂ કરી શકે તેમ છે. મુખ્ય પ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે મેટ્રો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન જમીન સંપાદન સહિતના પ્રોજેક્ટમાં વર્તમાન સ્થિતિનો અહેવાલ પ્રેઝન્ટેશન માટે તૈયાર કરાવ્યો છે.


