ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જંયતીના દિવસે અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટ પરથી ‘સ્વચ્છ ભારત મિશન’નું સમાપન કરાવશે. ભારત સરકારમાં નવા રચાયેલા જળશક્તિ મંત્રાલય દ્વારા અમદાવાદમા ૨જી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ઇન્ટરનેશનલ મેગા ઇવેન્ટ યોજવા તજવીજ શરૂ કરાઈ છે. બીજી ઓક્ટોમ્બર ૨૦૧૯થી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજંયતીની ઉજવણીનો આરંભ ઉપરોક્ત મિશનના સમાપનની સાથે થશે. તેના માટે સાબમતી આશ્રમ, રિવરફ્રન્ટના સુયોગ ધરાવતા અમદાવાદ શહેર ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આ ઇવેન્ટમાં ગાંધી વિચાર, સ્વચ્છતા, અશ્પૃશ્યતા નિવારણ, સ્વદેશી, સત્યાગ્રહ જેવા વિષય નિષ્ણાતોને સહિત ૨૫,૦૦૦ કર્મશીલો ઉપસ્થિત રહશે. દેશ- વિદેશમાં ગાધી મૂલ્યોને જીવંત રાખવા સંઘર્ષરત ૨૦૦ જેટલા નામાંકિતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિનર માટે પણ સાબરમતી રિવરફ્રન્ટનું લોકેશન પસંદ કરવામાં આવ્યું છે.
આમ, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, જાપાનના રાષ્ટ્રપ્રમુખ શિન્ઝો આબે પછી વધુ એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી ઓક્ટોબરમાં સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટ યોજાશે. વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ મોદીએ બીજી ઓક્ટોબર ૨૦૧૪થી એ તર્જ ઉપર દેશભરમાં સ્વચ્છ ભારત મિશન શરૂ કરાવ્યું હતું.
વર્ષ ૨૦૧૯માં ગાંધી જંયતી પૂર્વે ભારતને ૧૦૦ ટકા ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરવાનો લક્ષ્યાંક હતો. મે-૨૦૧૯ સુધીમાં આ મિશનને ૯૯.૨૨ ટકા સફળતા મળી છે.


