સુરતઃ નરેન્દ્ર મોદીના જન્મ-દિનની ડાયમંડ સિટીમાં અનોખી ઉજવણી થઇ છે. ૧૭મી સપ્ટેમ્બરે મોદીના ૭૦મા જન્મ-દિવસે શહેરના ૭૦૦ લોકોએ ૭૦૦૦ કિલોની કેક કાપી હતી. સુરતની એક કંપની વડા પ્રધાનના જન્મદિવસે વિશાળ કેક તૈયાર કરાઇ હતી, જેને નામ અપાયું હતુંઃ અગેઈન્સ્ટ કરપ્શન.
આ કેક કાપવા માટે શહેરના વિવિધ વર્ગના ૭૦૦ પ્રામાણિક મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. જેમાં સુરતમાંથી હાઈએસ્ટ ઈન્કમટેક્સ ભરનારા લોકોનો સમાવેશ પણ કરાયો હતો.
૭૦૦૦ કિલોની આ કેક બનાવવા માટે ૧૨૦૦ કિલો મેંદો, ૧૩૦૦ કિલો ખાંડ, ૨૩૫ કિલો વે પ્રોટીન, ૧૩૦ કિલો કેક જેલ, ૧૨૦૦ કિલો કોકો પાવડર, ૩૦ કિલો કેરેમલ, ૮૫૦ કિલો ચોકલેટ ચિપ્સ અને ૩૫૦ કિલો બટરનો ઉપયોગ કરાયો હતો.
૭૦૦૦ કિલોની આ કેકનું કટિંગ જે ૭૦૦ વ્યક્તિ દ્વારા થયું હતું એ સૌને એકેક કિલો કેક આપીને તેમની નજરે જે જરૂરિયાતમંદ હોય એમને આપવાનું કહેવાયું હતું. સાત હજાર કિલોની કેક આશરે ૫૦ હજાર લોકો સુધી પહોંચી હોવાની સંભાવના છે.
નરેન્દ્ર મોદીએ કરેલાં કામો અને તેમની યોજનાઓને અગેઈન્સ્ટ કરપ્શન કેક પર અલગ-અલગ સિમ્બોલ સાથે લેવામાં આવ્યા હતા. કેક બનાવવા માટે દોઢસોથી વધારે શેફની સેવા લેવાઈ હતી. સૌથી ઓછા સમયમાં સૌથી લાંબી અને સૌથી વજનવાળી કેકનો વિક્રમ ‘અગેઇન્સ્ટ કરપ્શન’ના નામે નોંધાય તેવી શક્યતા છે.