ગાંધીનગરઃ વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯માં ૧૭મીથી ૧૯મી જાન્યુઆરી દરમિયાન અમદાવાદ-ગાંધીનગરમાં સમિટના ઉદઘાટન, સાયન્સ સિટીમાં ટેકનોલોજીને સ્પર્શતા પ્રદર્શન અને વી. એસ. હોસ્પિટલના લોકાર્પણ જેવા કાર્યક્રમો યોજાયા હતાં. અમદાવાદ મેટ્રો રેલના ટ્રાયલ રનનો સમાવેશ થયો નહોતો. ૧૮મીએ સમિટના ઉદઘાટન બાદ મહાત્મા મંદિરમાં ઉદ્યોગપતિઓ સાથે મોદીએ ગાલા ડિનર લીધું હતું. ૧૯મીએ મોદી સંઘ પ્રદેશ સેલવાસ ગયા જ્યાં મેડિકલ કોલેજનું લોકાપર્ણ થયું હતું. રાજ્યની મુલાકાત દરમિયાન તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવાનું ચૂક્યા નહોતા.
વાઈબ્રન્ટ સમિટ દરમિયાન મોદી ત્રણ દિવસ ગુજરાતના મહેમાન બન્યા હતા. તેમાં બે દિવસ તેઓનું ગાંધીનગર રાજભવનમાં રોકાણ હતું. ગ્લોબલ ટ્રેડ શો અને વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ તેઓ માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા. તેમના કાફલાની એક ગાડી સાથે માતા હીરાબાના નિવાસસ્થાને તેઓ ૧૯મીએ સવારે ૯ વાગ્યા આસપાસના સુમારે પહોંચ્યા હતા. રાયસણમાં વૃંદાવન બંગલે તેમણે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા અને નાના ભાઈ તથા પરિવારજનો સાથે ૧૫ મિનિટ જેટલો સમય વીતાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સમિટમાં હાજરી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી જાન્યુઆરીએ ફરીથી રાજ્યની મુલાકાતે રહેશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને મોદી દાંડીમાં મીઠા સત્યાગ્રહ અને સ્વાંતત્ર્ય સેનાનીઓની યાદમાં તૈયાર થયેલા સ્મારકનું લોકાપર્ણ કરશે.


