વડોદરાઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વડોદરા શહેરના નિઝામપુરામાં રવિવારે રાતે જાહેર સભાને સંબોધતા હતા. તેઓનું ભાષણ ચાલુ હતું ત્યારે જ તેઓને ચક્કર આવ્યાં અને સ્ટેજ પર જ પડી ગયા હતા. વડોદરામાં રાતે ૮-૧૦ કલાકે તેમણે ત્રીજી સભા સંબોધવાની શરૂઆત ‘વિકાસની પ્રાથમિક શરત એ લોક નવી નવી નવી નવી...’ કહેતા તે મંચ પર ઢળી પડવા લાગ્યા ત્યારે જ જોકે, સિક્યુરિટી ગાર્ડ તુરંત તેમને ઝીલવા દોડ્યા અને મંચસ્થ લોકો પણ તેમની તરફ દોડ્યા હતા. એ પછી ગાર્ડના કાફલાએ મુખ્ય પ્રધાનને કોર્ડન કરી લીધા હતા અને ખુરશી પર બેસાડયાં હતાં. ડોક્ટરે તેમની શારીરિક તપાસ કરીને પ્રાથમિક સારવાર કરી હતી. તેમને મંચ પર જ ગ્લુકોઝ પીવડાવાયું હતું. આ ઘટના બાદ જાહેરસભા અધવચ્ચેથી રોકાઈ હતી.
પ્રાથમિક ચેકઅપમાં બીપી-ડાયાબીટિસ નોર્મલ
મેડિકલ ટીમે બીપી અને ડાયાબીટિસ ચેક કરતાં તે નોર્મલ આવ્યાં હતાં. પાણી પીવડાવતાં સંપૂર્ણ રીતે હોશમાં આવ્યા હતાં. એ પછી તેઓ જાતે જ સીડી ઉતરીને ગાડીમાં બેઠાં હતાં. ત્યાંથી તેમને હરણી એરપોર્ટ લઈ જવાયા હતાં. ત્યાં વીઆઈપી રૂમમાં તેમના બીપી અને ડાયાબીટિસનું ફરીથી ચેકઅપ કરાયું હતું ત્યારે પણ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.
થોડા સમય બાદ વિજય રૂપાણી સ્વસ્થ થતાં હેલિકોપ્ટરથી તેમને અમદાવાદ યુ. એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વડોદરાથી ડોક્ટરને પણ સાથે સાથે મોકલાયા હતા. યુ. એન. મહેતામાં ECG સહિત તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ મોડી રાત્રે કોરોના માટે સેમ્પલ લેવાયા હતા.
પાટિલ, નીતિન પટેલ, પ્રદીપ સિંહ હોસ્પિટલ દોડી ગયા
યુ. એન. મહેતા હોસ્પિટલમાં મુખ્ય પ્રધાનને લવાયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલ, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા હોસ્પિટલમાં દોડી ગયા હતા. રૂપાણીના અનેક ટેસ્ટ-એક્સ-રે સહિત સમગ્ર બોડી ચેકઅપ કરાયું હતું. મુખ્ય પ્રધાનની તબિયત એકંદરે સારી હોવાનું નીતિન પટેલ તથા પ્રદીપસિંહ જાડેજાએ મોડી રાત્રે જણાવ્યું હતું.
કોરોના સંક્રમિત જણાયા
સોમવારે સવારે તેમનો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયાને કહ્યું કે, વિજયભાઈને કોરોનાના હળવા લક્ષણો છે. ઓક્સિજન લેવલ પણ સામાન્ય છે. કોરોનાના પ્રોટોકોલ મુજબ સારવાર ચાલુ છે અને તેઓ સાતેક દિવસ હોસ્પિટલમાં રહશે. મુખ્ય પ્રધાન મોબાઈલથી માર્ગદર્શન પૂરું પાડતા રહેશે.
સોમવારે મોડી સાંજે મુખ્ય પ્રધાને પોતે કોરોના પોઝિટિવ છે, પણ તબિયત સારી હોવાની ટ્વિટ કરી હતી. તેમણે આ સાથે છેલ્લા થોડા દિવસોમાં સંપર્કમાં આવેલાને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવા અપીલ પણ કરી હતી.
અન્ય બે ભાજપી નેતાની પણ સારવાર
મુખ્ય પ્રધાનને કોરોના થયાની માહિતી બહાર આવ્યા બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયા પણ ચેપગ્રસ્ત હોવાનું અને યુ. એન. મહેતા હોસ્પિટલમાં જ સારવાર હેઠળ હોવાનું જાહેર થયું હતું! અગાઉ મુખ્ય પ્રધાન નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ બંને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આથી, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાંથી કોરોના વાઈરસનો ફેલાવો થયો હોવાનું કહેવાય છે. નીતિન પટેલે કહ્યું કે, રૂપાણીને બીપી કે ડાયાબીટિસ સહિત અન્ય કોઈ બીમારી નથી. મુખ્ય પ્રધાનના ચાર્જ સંદર્ભે સવાલના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, તેઓ સ્વસ્થ છે અને મોબાઈલ ઉપર અધિકારીઓ, પ્રધાનો - નેતા તથા કાર્યકરો સાથે વાત કરીને માર્ગદર્શન આપી રહ્યા છે.
પીએસ પણ પોઝિટિવ સુરક્ષાકર્મીઓ સહિત ક્વોરેન્ટાઈન
મુખ્ય પ્રધાન બંગલાના કર્મચારીઓનાં ટેસ્ટ થતાં પર્સનલ સેક્રેટરી શૈલેષ માંડવિયા પણ ચેપગ્રસ્ત આવતાં તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુખ્ય પ્રધાનનાં પત્ની અંજલિબહેન, સુરક્ષાકર્મીઓ ઉપરાંત નિવાસસ્થાન, CMOમાં ફરજ બજાવતા કર્મચારીઓ ક્વોરેન્ટાઈન થયા હતા. સોમવારે પંચમહાલના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, તેમણે રૂટીન ચેકઅપ માટે આવ્યાનું જણાવ્યું હતું.
ચૂંટણી પ્રચારને અસર
રૂપાણી કોરોનાગ્રસ્ત થતાં મતદાનના દિવસ ૨૮ ફેબ્રુઆરી સુધી પ્રચાર સભાઓ યોજી શક્શે નહીં. આથી રાજકોટમાં સ્મૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોના કાર્યક્રમો સાથે રેલીઓને બદલે સોસાયટીઓમાં લોકસંપર્ક માટે વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપે પ્રચારની રણનીતિ, આયોજન બદલવા પડયા છે.
મોદીની સંપૂર્ણ ચેકઅપ - આરામની સલાહ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અંગે સમાચાર મળતાં તુરંત જ વડા પ્રધાન મોદીએ નવી દિલ્હીથી મોબાઇલ ફોન પર મુખ્ય પ્રધાન સાથે વાત કરી હતી. ઘટનાક્રમ અને સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવ્યા બાદ વડા પ્રધાને એમને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવવા અને કાળજી સાથે યોગ્ય આરામ લેવાની સલાહ આપી હતી.
અમિત શાહની ટ્વિટ
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને મુખ્ય પ્રધાન ઝડપથી સ્વસ્થ થઈને જનકલ્યાણના કાર્યોમાં સક્રિય થાય તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે મુખ્ય પ્રધાન કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રીની તબિયત સારી છે અને રિકવરી પણ ઝડપી છે તેમ જણાવ્યું હતું.
સતત ચૂંટણી પ્રચાર કાર્યક્રમ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે રવિવારે જણાવ્યું કે, બે દિવસથી વિજયભાઈની તબિયત નરમ હતી. ચૂંટણી પ્રચારકાર્યમાં સતત વ્યસ્ત રહેવાના કારણે તેઓ થાક અનુભવતા હતા. તેમજ તણાવ પણ રહેતો હતો જેથી તેમનું બ્લડપ્રેશર લો થયાની શક્યતા છે.
યુવક તબિયત જોવા હોસ્પિટલ દોડ્યો
અમદાવાદ: રૂપાણીને યુ. એન. મહેતામાં દાખલ કર્યાના સમાચાર ફેલાતાં જ સોમવારે સવારે શાહીબાગમાં ગોપાલજીની ચાલીમાં રહેતો ૧૮ વર્ષીય વિવેક દાસ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, મુખ્ય પ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને મળવા દેવાયો નહોતો. વિવેકે કહ્યું કે, અમને ઇડબલ્યુએસ સ્કીમ અંતર્ગત ઘર મળે તે માટે હું વિજયભાઈ રૂપાણીને મળવા ગયો હતો ત્યારે તેમણે મને ઘર મળે તે માટે ભલામણ પત્ર લખી આપ્યો હતો. જેથી મને ઘર મળ્યું છે. મુખ્ય પ્રધાનને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર જાણીને હું તેમને મળવા ગયો હતો, પરંતુ હોસ્પિટલમાં પોલીસ અને સિક્યુરિટી સ્ટાફે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મને તેમને મળતાં અટકાવ્યો હતો જેથી હું થોડીવાર ત્યાં રોકાઇને નીકળી ગયો હતો.


