વયોવૃદ્ધ પિતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અને પુત્રી અમેરિકામાંઃ સેતુરૂપ બન્યો છે નર્સિંગ સ્ટાફ

Friday 29th May 2020 06:12 EDT
 
 

અમદાવાદઃ 'અમને ચિંતા હતી કે અમારું આખું પરિવાર અમેરિકા છે તો પપ્પાને ત્યાં કોણ સાચવશે? થેન્ક્યુ ડોક્ટર, તમે સૌ પરિવારના સભ્યની જેમ મારા પપ્પાની સંભાળ રાખો છો.' આ શબ્દો છે અમેરિકા સ્થિત દીકરી શ્રુતિ સોનીના, જેનાં ૮૩ વર્ષીય વૃદ્ધ પિતા કોરોના પોઝિટિવ છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ છે. હોસ્પિટલ સ્ટાફ દરરોજ અમેરિકા રહેતી દીકરીને તેણીના પપ્પા સાથે વીડિયો કોલિંગથી વાતો કરાવે છે અને પરિવારના સભ્યની જેમ જ તેમની કાળજી રાખે છે. સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાય છે.
હાલની સ્થિતિમાં કોઈને સામાન્ય છીંક આવી હોય તો પણ તેને કોરોના થઈ ગયો હશે તેવું સમજીને આસપાસમાં રહેલી વ્યક્તિ ત્યાંથી ખસી જતી હોય છે, ત્યારે આવા સંજોગોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં આકાર લેતી આવી ઘટના નવી ઊર્જાનો સંચાર કરે છે. હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ પોતાના પરિવારના સભ્યની જેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંભાળ લે છે.
અમદાવાદના ૮૩ વર્ષીય ચિનુદાદાને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ચિનુદાદાના સંતાનો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે ત્યારે તેમની દેખભાળ રાખી શકે તે માટે અમદાવાદમાં કોઈ નથી. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેઓની પરિવારના સદસ્યની જેમ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે.
અમેરિકાથી શ્રુતિ સોની લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે, ‘જ્યારથી પપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમની સાથે સંપર્ક કરવા અને તેમની દેખરેખ સહિતના પ્રશ્ને અમને ખૂબ જ ચિંતા થતી હતી પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દરરોજ મને અને મારા સમગ્ર પરિવારને વોટ્સએપના મારફતે વિડીયો કોલિંગ કરાવીને મારા પપ્પા સાથે વાતચીત કરાવે છે.’
શ્રુતિ જણાવે છે કે, ‘અમને એ વાતનો ખૂબ જ આનંદ થયો કે ડોક્ટર્સ, નર્સ, પેરા મેડિકલ સહિતનો તમામ મેડિકલ સ્ટાફ મારા પપ્પાની ખૂબ જ કાળજી રાખી રહ્યો છે. તેમને બિલકુલ એકલા હોવાનો અહેસાસ પણ થવા દેતા નથી. જેથી અત્યારે અમે અમેરિકા હોવા છતાં ચિંતામુક્ત બન્યા છીએ. હોસ્પિટલના સમગ્ર સ્ટાફને હું હ્રદયપૂર્વક થેંક્યુ કહું છું.’
વીડિયો કોલિંગમાં વાતો કરતા-કરતા કોરોના વોર્ડમાં દાખલ ચિનુદાદા પણ દીકરીને સાંત્વના આપતા કહેતા હતા કે,બેટા ચિંતા ના કરતી, અહીં બધા મને ખૂબ જ સાચવે છે. આ શબ્દોથી અમેરિકા સ્થિત તેમના પરિવારની અડધી ચિંતા ઓછી થઈ ગઈ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની તેમના પરિવારજનોને રીઅલ ટાઈમ ઈન્ફોર્મેશન પ્રાપ્ત થાય તે હેતુસર ‘કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યું છે. ડેશબોર્ડમાં દર્દીનું નામ, વિવિધ રીપોર્ટની માહિતી, દર્દીની સ્થિતિ, ક્યા વોર્ડમાં દાખલ, દાખલ કર્યાની તારીખ, ડિસ્ચાર્જ કર્યાની તારીખ તેમજ ક્યા ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે તેની પૂરતી માહિતીનો એક સોફ્ટવેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીની બદલાતી જતી સ્થિતિ અંગે ખૂબજ ચોકસાઈપૂર્વક માહિતી અપડેટ કરવામાં આવે છે, તેમજ જરૂરી માહિતી દર્દીના સ્નેહીજનોને ટેલિકોલિંગ તેમજ એસએમએસ દ્વારા પૂરી પાડવામાં આવે રહી છે. જેથી દર્દીના સગાઓએ પણ હવે કોઈપણ પ્રકારની અફવાઓથી ભયભીત થવાની જરૂર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter