ગાંધીનગરઃ ગુજરાતમાં પડતી રેકોર્ડ બ્રેક ગરમીની અસર આગામી ચોમાસા પર કેવી રહેશે એની ચર્ચા અને ચિંતા ખેડૂતોમાં વ્યાપક છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ, કૃષિ વિજ્ઞાનીઓ, અનુભવી ખેડૂતો, અભ્યાસુઓ અને હોળીની ઝાળ, અખાત્રીજનો પવન, દનૈયાં તથા ભડલી વાક્યો, નક્ષત્રો વગેરેને આધારે ચોમાસાંના વરતારા કહેતા પ્રાચીન વર્ષાવિજ્ઞાનના જાણકારો કહે છે કે ગરમીની શું અસર થશે, ચોમાસું કેવું રહેશે? હવામાન શાસ્ત્રીઓ એકસૂરે કહે છે કે, વરસાદ થોડો મોડો થશે પણ બહુ જ સારો થશે. જોકે, અમુક નિષ્ણાતોને ગરમીની ખરાબ અસરથી વરસાદમાં અમુક સ્થળે ઘટ રહી જાય એવી ચિંતા સતાવી રહી છે.
જૂન મહિનામાં છેલ્લાં અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદનાં આગમનની સંભાવના છે. સામાન્ય કરતાં પણ થોડો વધુ વરસાદ થાય. સામાન્ય રીતે પ્રથમ વરસાદ મોડો થાય તો સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતો હોય છે, પણ આ વખતના વિવિધ વરતારા કહે છે કે ખેંચાયા પછી પણ ચોમાસું તો સારું જ થશે. જો કે, અમુક અનુભવી ખેડૂતોએ ચેતવણી ઉચ્ચારી છે કે વધુ પડતી ગરમીને લીધે વરસાદ અનિયમિત થઇ જવાની અને અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ રહી જવાની સંભાવના છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે, નદી – નાળાં છલકાઇ જાય અને ડેમ ઓવરફ્લો થઇ જાય એવો વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં પડશે અને સારા વરસાદના કારણે ત્યાંના ૬૦ ડેમ ઓવરફ્લો થઇ જશે.


