વરસાદ વેરી બન્યોઃ ચોમેર જળબંબાકારઃ વડા પ્રધાનનું હવાઇ નિરીક્ષણ

Wednesday 26th July 2017 10:17 EDT
 
 

ગાંધીનગરઃ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ૭૦૦૦થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ૧૪૬થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા છે. સુરતના મહુવા - ઉમરપાડા તેમજ ગીર - સોમનાથના વેરાવળમાં એમ ત્રણ સ્થળે ત્રણ નાગરિકોના તણાઈ જવાથી મોત થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં વરસાદને કારણે મૃત્યુઆંક ૬પને પાર કરી ગયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ૨૫મી જુલાઈએ જણાવાયું હતું કે, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, રાજકોટ અને કચ્છ તેમજ મહેસાણા, પાલનપુર, વલસાડ અને સુરતમાં એનડીઆરએફની એક - એક ટીમ બચાવની કામગીરી કરી રહી હતી. ૨૫મી જુલાઈએ સરકારની રજૂઆતને પગલે વધુ ટીમ અસરગ્રસ્ત શહેર ગામમાં પહોંચી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યમાં અતિવૃષ્ટિના પગલે મંગળવારે વધુ સાત બોટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્તોની મદદ માટે વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ ૨૫મી જુલાઈએ મોરબી, હળવદ, રાજકોટ, અમદાવાદ અને કચ્છને જોડતા નેશનલ હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવર્ત કરી દેવાયો હતો. જોકે રાજ્યમાં ૧૯ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૨૧ માર્ગો ઉપર પાણી ભરાતા ૨૪મી જુલાઈથી ચોવીસ કલાક માટે આ માર્ગો સદંતર બંધ કરાયા હતા.
રાજ્યના ૩૯ ડેમ હાઇ એલર્ટ પર મુકાયા સાથે નર્મદા અને જળસંપત્તિ વિભાગે જાહેર કરેલા રિપોર્ટ મુજબ ૨૫મી જુલાઈએ નર્મદા નદી ઉપરના સરદાર સરોવર બંધમાં ૧૧૭.૬૫ મીટરની સપાટીએ પાણી પહોંચ્યું હતું. આ ડેમને એલર્ટનું સિગ્નલ અપાયું હતું. આ ઉપરાંત ૧૭ મોટી યોજનાઓ પૈકી મચ્છુ-૧ અને ૨ હાઈએલર્ટ અને જામનગરની ઊંડ-૧ સિંચાઈ યોજનાને એલર્ટનું સિગ્નલ અપાયું હતું. રાજ્યમાં કુલ ૨૦૩ જળાશયો પૈકી ૩૯થી વધુ ડેમ હાઈ એલર્ટ ઉપર છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ૨૪.૨૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૦.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૫.૨૧ ટકા, કચ્છમાં ૩૯.૩૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૩૯.૩૫ ટકા એમ કુલમળી રાજ્યમાં ૩૬.૮૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ઉત્તર ગુજરાતમાં તારાજી
માઉન્ટ આબુમાં ૪૮ કલાકમાં ૬૪ ઈંચ વરસાદ મંગળવારે નોંધાયો હતો. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયું કે ૬૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. તારંગા- અરવલ્લીના સ્ત્રાવક્ષેત્રમાંથી પાણી ધસતાં ૧૮૯.૫૯ મીટરની ઊંચાઈના ધરોઈ ડેમમાં સોમવારે પાણીની સપાટી ૧૮૫.૭૨૦ મીટરે પહોંચી હતી. ડેમના કાર્યપાલક ઈજનેરે કહ્યું કે, સોમવારે બપોરે ત્રણ વાગ્યે ૬૧૧.૧૫ ફૂટના લેવલ હતું. રાત્રે ૧૦ કલાકે નવા ૧,૪૧,૦૦૦ ક્યુસેક્સનો નવો જથ્થો આવતા લેવલ ૬૧૭ ફૂટ થયું હતું. સાબરમતી નદી જ્યાંથી વહે છે એ વિસ્તારની આસપાસના વિસ્તારોને સોમવારે અલર્ટ કરાયા હતા. ઉત્તર ગુજરાતમાં વરસાદી તારાજી બાદ નદીઓનાં પાણી ૨૪મી જુલાઈથી કચ્છના નાના રણમાં પ્રવેશી રહ્યાં હોવાથી વાગડનાં ૧૮ ગામ અને ૨૭ વાંઢના લોકોને જિલ્લા વહીવટી તંત્રે સતર્ક રહેવાની સૂચના આપી હતી. રાપર નજીકના રણકાંઠાનાં ૧૮ ગામ અને ૨૭ વાંઢના લોકોને સંભવિત જળભરાવની પરિસ્થિતિમાં ફસાઈ ન જવાય એ માટે સાબદા રહેવાની તાકીદ કરવામાં આવી છે. રાજસ્થાન-ઉત્તર ગુજરાતમાં થઈને વહેતી બનાસ, સરસ્વતી, સીપુ, મેશ્વો, રૂપેણ વગેરે નદીનાં પાણી નાના રણમાં થઈને મંગળવારે મોટા રણ મારફત દરિયામાં પૂર જોશમાં વહેતા હોવાના અહેવાલ હતા.
ભુજ જિલ્લા કલેક્ટર કચેરીના અહેવાલ પ્રમાણે, પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને સ્થાનિક તલાટીઓ અને સરપંચોને સૂચના અપાઈ છે. નાના રણમાં રહેલા અગરિયાઓને પણ તાકીદે સલામત સ્થળે પહોંચી જવાની સૂચના છે. રણકાંઠાના વિસ્તારોમાં અંદાજે ૧૬,૦૦૦ લોકોની વસ્તી છે. જરૂર પડ્યે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા પણ તંત્રે તૈયારી કરી હતી.
વડા પ્રધાન ગુજરાત પહોંચ્યા
૨૩મી જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિનું વિજય રૂપાણીએ સુરેન્દ્ર નગર જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યા પછી સોમવારે વરસાદથી ભારે તારાજ થયેલા બનાસકાંઠાના અસરગ્રસ્ત ડીસાનું હવાઈ નિરીક્ષણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂરની માહિતી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ડીસા અને પાટણ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. હવાઇ નિરીક્ષણ બાદ અમદાવાદ હવાઇ મથકે મુખ્ય પ્રધાન, પક્ષનાં પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ રાહત તથા પૂર રાહત કામગીરીની મોદીએ સમીક્ષા કરી હતી. મોદીએ વિજય રૂપાણીને ગુજરાત પર આવેલી આ અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૫૦૦ કરોડની સહાયની પણ ખાતરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter