અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. વરસાદની અછતને કારણે સૌથી વધુ ખરાબ સ્થિતિ પાટણ જિલ્લામાં ઊભી થઇ છે. અત્યાર સુધીમાં અહીં સરેરાશ ૨૦ મિલીમીટર જ વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અહીં વરસાદની ૮૫ ટકા ઘટ છે. પાટણ ઉપરાંત સરહદી જિલ્લા કચ્છ અને બનાસકાંઠાની સ્થિતિ પણ કફોડી છે. અહીં પણ ૬૧થી ૬૫ ટકા ઓછો વરસાદ હોવાનું કહેવાય છે.
કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના ૨૩ જિલ્લામાં ૧૨ જુલાઈ સુધીમાં અપેક્ષિત વરસાદમાં અછત દર્શાવાઈ છે, જે ચારથી ૮૫ ટકાની છે. જ્યાં વીસ ટકા કે તેથી વધુ વરસાદ થયો છે તેવા માત્ર ત્રણ જિલ્લા છે જેમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના નવ તાલુકા છે તેમાં સાંતલપુરમાં માત્ર પાંચ મિ.મી. જેટલો જ નહિવત્ વરસાદ ૧૦ જુલાઈની સવાર સુધીમાં પડયો હતો. અહીં સૌથી વધુ એક ઈંચ કરતાં થોડોક જ વધુ વરસાદ સિદ્ધપુર તાલુકામાં થયો છે. પાટણ પછી કચ્છમાં પણ પાણીની ગંભીર અછત છે.
હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને જેલ સજાઃ અમદાવાદના બહુચર્ચિત બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસના આરોપી ૨૭ વર્ષીય વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા થઇ છે. આ સાથે વિસ્મયને રૂ. ૩૧ હજાર દંડ અને મૃતક યુવકો રાહુલ પટેલ અને શિવમ દવેના વાલીઓને રૂ. પાંચ-પાંચ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. સજા સાંભળતા આરોપી વિસ્મયની આંખમાં પાણી આવી ગયા હતા. હવે આ કેસમાં રાજ્ય સરકાર સજા વધારવા માટે જ્યારે વિસ્મય તેને નિર્દોષ જાહેર કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરશે.
સનફીસ્ટ કંપનીના યેપ્પી નૂડલ્સ પર પ્રતિબંધઃગુજરાતમાં નેસ્લે કંપનીના મેગી નૂડલ્સ બિનઆરોગ્યપ્રદ જણાતાં ફરીથી એક મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના પરીક્ષણ દરમિયાન આઇટીસી કંપનીના સનફીસ્ટ યેપ્પી નૂડલ્સ અને બામ્બીનો મેક્રોનીમાં પણ સીસું અને એમએસજીનું પ્રમાણ નિયત કરતા વધુ જણાયું છે. આથી આ બન્ને બ્રાન્ડની પ્રોડક્ટના વેચાણ અને સંગ્રહ પર પણ એક મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે.
નારેશ્વર સ્નાન કરવા ગયેલા આઠ લોકો ડૂબ્યાંઃ વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ નારેશ્વર ખાતે અધિક માસની કમલા એકાદશીના દિવસે સ્નાન કરવા ગયેલા અમદાવાદના આઠ લોકો ડુબી ગયા હતા. નિકોલ વિસ્તારના શિરોમણિ રેસીડેન્સીનાં બાળકો, મહિલાઓ સહિતના ૩૩ યાત્રાળુઓનું જૂથ નારેશ્વર ગયું હતું. નર્મદા નદીનો નારેશ્વર કિનારો અત્યંત જોખમી વહેણ ધરાવતો હોવાનું કહેવાય છે. મૃતકોમાં-પ્રફુલભાઈ પ્રજાપતિ, અલ્પેશ પ્રજાપતિ, કૌશિકભાઈ પ્રજાપતિ, જૈનિશા પ્રવિણભાઈ પ્રજાપતિ જ્યારે કમનસીબ લાપત્તા કુણાલ જાગાણી, મનીષભાઈ પેથાણી, વિપુલભાઈ ઉર્ફે લાલો અને ઋષિભાઈ પ્રવીણભાઈ નારોલાનો સમાવેશ થાય છે.
આફ્રિકાના દેશો કરતાં પણ ગુજરાત પછાત!ઃ જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ રાઘવજી પટેલે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે દેશ અને દુનિયાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની ભાજપ સરકારે ગુજરાત જાણે સ્વર્ગભૂમિ અને સુખીસંપન્ન બની ગયું હોય એવી પ્રસિદ્ધિ કરી રહ્યું છે, પરંતુ હકીકતે આ સાવ ખોટું છે. ગુજરાત અને દેશ સાથે બનાવટ કરવામાં આવે છે. તાજેતરમાં વિશ્વના દેશોની બાળ આરોગ્ય, શિક્ષણ અને વિકાસની યુનોની આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે કરેલા સર્વેક્ષણમાં ગુજરાતની વસતિના ૪૨ ટકા બાળકો કુપોષિત હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પટેલે કહ્યું છે કે, ગુજરાતના બાળકોના આરોગ્ય અને કુપોષણ અંગેના યુનિસેફના અહેવાલ ૨૦૧૪ના ઓક્ટોબરમાં મોકલી આપ્યા છે પરંતુ આ અહેવાલોને ગુજરાત સરકારે દબાવી રાખ્યા છે. કારણ કે આ અહેવાલ ગુજરાત વિકાસ અને સુખી રાજ્યની પોલ છતી કરે છે. આ અહેવાલ મુજબ ગુજરાતના લગભગ બે કરોડ બાળકોને પૂરતો ખોરાક મળતો નથી અને બીમારીઓ ભોગવે છે. આપણા ગુજરાતમાં ૪ લાખ બાળ મજૂરો છે જે નિશાળે જતાં નથી. બાળકના ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ વધતી નથી.
૯૨ વર્ષની ઉંમરે વૃદ્ધે આપઘાત કર્યો!ઃ યુવાન કે પાકટ વયના લોકો વિવિધ કારણોસર ઘણીવાર આપઘાત કરીને જીવન ટૂંકાવતા હોય છે. પરંતુ ૯૨ વર્ષના એક વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતે જીવનનો અંત આણતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના ચાંદખેડાના રહેવાસી પુરુષોત્તમભાઈ મીઠાભાઈ સોલંકીએ ગત સપ્તાહે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પુરુષોત્તમભાઈને ઘણા સમયથી મસાની તકલીફ હતી તેના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે.