અમદાવાદઃ રાજ્યમાં ૧૫ સપ્ટેમ્બરથી ચોમાસું તબક્કાવાર વિદાય લે તેવી શક્યતા છે. હજુ સુધી રાજ્યમાં સરેરાશ ૭૩.૬૬ ટકા વરસાદ નોંધાયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું છે. ગત વર્ષે ૭ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ૩૧.૫૧ ઈંચ સાથે મોસમનો ૧૦૫.૦૯ ટકા વરસાદ પડયો હતો. ચોમાસાની વિદાયની વકી વચ્ચે વરસાદનું સાધારણ પ્રમાણ ચિંતાજનક છે. આ વખતે ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ છે. કચ્છમાં હજુ સુધી ૪.૩૩ ઈંચ સાથે મોસમનો ૨૬.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના લખપતમાં માત્ર ૦.૪૭ ઈંચ, રાપરમાં ૧.૦૨ ઈંચ વરસાદ પડયો છે. બીજી તરફ કચ્છમાં ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૭.૪૦ ઈંચ સાથે મોસમનો ૧૦૯.૯૦ ટકા વરસાદ પડયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે ચોથા ભાગનો વરસાદ પડયો છે.
ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૧૨.૦૮ ઈંચ સાથે મોસમનો ૪૨.૪૯ ટકા વરસાદ પડયો છે. ગત વર્ષે આ સમયગાળા સુધી ઉત્તર ગુજરાતમાં ૩૮.૯૩ ઈંચ સાથે મોસમનો ૧૪૨.૩૭ ટકા વરસાદ પડી ચૂક્યો હતો. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ઘણી જ સારી છે. દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી મોસમનો ૫૩.૪૬ ઈંચ વરસાદ પડયો છે. આમ, દક્ષિણ ગુજરાતમાં મોસમનો ૯૪ ટકા કરતા પણ વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં માં વરસાદનું પ્રમાણ સરેરાશ ૧૯.૨૫ ઈંચ છે.


