ગાંધીનગરઃ વરસાદની પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ હોવાથી ૧૧મી જૂનથી ઠંડક જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યા પછી ૧૧મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં પણ હળવો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ, સાપુતારા અને સુરતમાં અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં નવમીથી છૂટોછવાયો વરસાદ શરૂ થયા પછી ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા, અંબાજીમાં મેઘરાજાની પધરામણી થઇ હતી.
નવમી જૂનથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ગીર વન વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા નજીક ગીરજંગલ વિસ્તારની બોર્ડર પાસે આવેલા ખિલાવડ, ફાટસર, ઇટવાયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં નવમીએ થોડીવાર માટે ધીમી ધારે વરસાદ સાથે ભારે પવન ફુકાયો હતો.
જૂનાગઢમાં દસમીની રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું એ પછી બીજા દિવસે ૧૧મીએ પણ સવારે મેઘાવી માહોલ જામ્યો હતો. માત્ર અમી છાંટણા થયા હતાં. જૂનાગઢમાં રસ્તા પલળી જાય તેવો વરસાદ પડ્યો હતો.
ભરૂચ શહેરમાં દસમીએ વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યાં હતાં. વરસાદને પગલે રસ્તાઓ ભીંજાઇ ગયા હતાં અને નાના બાળકોએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો. ભરૂચમાં વરસાદી ઝાપટા બાદ હવે ચોમાસાની જમાવટના એંધાણ વર્તાઇ રહયાં છે. આકાશમાં કાળાડીંબાગ વાદળોની હાજરી જોવા મળી રહી છે. વાપી અને દમણમાં પણ હળવા ઝાપટાં પડ્યાં હતાં.


