વરિષ્ઠ પત્રકાર અને પીએમઓના પીઆરઓ જગદીશભાઈ ઠક્કરનું અવસાન

Wednesday 12th December 2018 05:23 EST
 
 

ગાંધીનગરઃ વડા પ્રધાન કાર્યાલયના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) અને વરિષ્ઠ પત્રકાર જગદીશ ઠક્કર (ઉં. વ. ૭૨)નું સોમવારે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેઓના પરિવારમાં પત્ની વિભાબહેન, પુત્ર વિરાગ, પુત્રવધૂ તેમજ પૌત્રનો સમાવેશ થાય છે. ૨૩મી સપ્ટેમ્બરે તેઓને એઇમ્સના આઇસીયુમાં દાખલ કરાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ સ્વ. ઠક્કરને ભાવભીની અંજલિ અર્પી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે એઇમ્સમાં જઇ સ્વ. ઠક્કરના પરિજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમણે ટ્વિટ દ્વારા શોકસંદેશામાં જણાવ્યું હતું કે, ‘પીએમઓના પીઆરઓ જગદીશ ઠક્કરના દુ:ખદ નિધનથી અત્યંત દુ:ખ થયું છે. જગદીશભાઇ એક વરિષ્ઠ પત્રકાર હતા. ગુજરાત અને દિલ્હીમાં એમની સાથે કામ કરવાનો મને આનંદ રહેશે. તેઓ પોતાની સાદગી અને ઉમદા હૃદયના સ્વભાવથી જાણીતા હતા. અમે કામ પ્રત્યે પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા ધરાવનાર એક ઉમદા વ્યક્તિત્વને
ગુમાવ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે, વર્ષો સુધી સરકાર અને મીડિયા જગત વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવનાર સ્વ. જગદીશભાઇ નિર્વિવાદ, નિસ્પૃહ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે માહિતી ખાતાના સંનિષ્ઠ અધિકારી તરીકે દાયકાઓ સુધી ચાવીરૂપ કામગીરી બજાવી હતી.
બીજી ફેબ્રુઆરી, ૧૯૪૬માં ભાવનગરમાં જન્મેલા જગદીશ ઠક્કરે યુવા વયે જ પત્રકાર તરીકેની કારકિર્દી લોકસત્તા, સૌરાષ્ટ્ર સમાચારથી શરૂ કરી હતી. ૧૯૬૬-૬૭માં માહિતી ખાતામાં જોડાયા પછી રાજ્યના જુદી જુદી માહિતી કચેરીમાં સેવા આપી ૧૯૮૬માં મુખ્ય પ્રધાન કાર્યાલયમાં સેવારત થયા હતા.
એ વખતના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી પછી સ્વ. અમરસિંહ ચૌધરી, સ્વ. ચીમનભાઇ પટેલ, સ્વ. છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ જેવા અલગ અલગ પક્ષ અને વિચારધારાની સરકારના મુખ્ય પ્રધાનોના વિશ્વાસુ પીઆરઓ બની રહ્યા હતા.
ઓક્ટોબર, ૨૦૦૧માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ ૨૦૦૪માં ૨૯ ફેબ્રુઆરીએ તેઓ નિયમ મુજબ માહિતી નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા, પરંતુ મોદીએ એમને સેવારત રાખ્યા હતા. મે, ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતથી વિદાય લેતાં પહેલાં જે અંગત અને વિશ્વાસુઓ એવા ચાર વ્યક્તિને સાથે લીધા, તેમાં જગદીશભાઇનો સમાવેશ થતો હતો.

જગદીશભાઈનું એક વખત સન્માન થયું હતું

૨૦૧૦માં મહેસાણા નજીક એક ખાનગી વોટર પાર્કમાં ચાલી રહેલી ચિંતનશિબિર વખતે પીઆરઓ જગદીશ ઠક્કરનો જન્મદિન હતો. ક્યારેય ક્યાંય કોઇ ફોટો કે વિઝ્યુઅલમાં ઝડપાઇ ન જવાય એની સતત કાળજી રાખતા ઠક્કરના જન્મદિનની જાણકારી એ વખતના ડેપ્યુટી પીઆરઓ ઉદય વૈષ્ણવ અને માહિતી ખાતાના ફોટોગ્રાફર હર્ષેન્દુ ઓઝાએ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને આપી.
તેમણે તુરત એક બુકે અને શાલની વ્યવસ્થા કરાવી એમનું શિબિરમાં ‘એક અદના વ્યક્તિને જન્મદિનની શુભેચ્છા પાઠવીએ' તેમ કહી ‘ક્યાં છે જગદીશભાઇ?' કહ્યું. એ પછી મંચ ઉપર બોલાવી તેમનું સન્માન કર્યું હતું.

૧૦ મુખ્ય પ્રધાનો સાથે કામ કર્યું, પણ એકની વાત અન્યને ન કરેઃ વિજય રૂપાણી

જગદીશભાઈના અવસાનથી ખૂબ દુઃખ થયું છે, કારણ કે નરેન્દ્રભાઈ મુખ્ય પ્રધાન હતા ત્યારે અને તેઓ વડા પ્રધાન બન્યા પછી પણ જગદીશભાઈ સાથે કામ કર્યું છે. નરેન્દ્રભાઈ જાહેર સભાને સંબોધતાં ત્યારે તેઓ હવે પછી ક્યો શબ્દ બોલશે તેનો અણસાર લાંબા સમયથી નરેન્દ્રભાઈ સાથે લાંબો સમય રહેનારા જગદીશભાઈને અગાઉથી જ આવી જતો હતો.
ગુજરાતના ૧૦ મુખ્ય પ્રધાનો સાથે તેમણે કામ કર્યા પછી પણ એક મુખ્ય પ્રધાનની વાત બીજા મુખ્ય પ્રધાનને ન કરવી તેવી તેમની ખાસિયતથી તેમણે આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. તેઓ સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને રહ્યા હતા. જગદીશભાઈની પ્રેસબ્રિફિંગ-અહેવાલ પરફેક્ટ હતા અને સાથે સાથે ટૂકું પણ એકદમ સચોટ આલેખન કરતા હતા. આ કારણથી જ તેમણે વર્ષો સુધી નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું. નરેન્દ્રભાઈ તેમને વડા પ્રધાન કાર્યાલય લઈ ગયા હતા. સ્વભાવે ખૂબ મૃદુ અને મીતભાષી. દરેક વિષયમાંથી જે મુદ્દાઓ કાઢતા તે સામાન્ય માણસને એકદમ ટચ કરતા હતા. જીવન સંપૂર્ણ સરળતાથી જીવ્યા. તેમના નિધનથી વડા પ્રધાન કાર્યાલયને તો ખોટ પડી છે, પણ ગુજરાતના માહિતી વિભાગને પણ મોટી ખોટ પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter