અમદાવાદઃ ગુજરાતના ‘જયહિન્દ’થી માંડીને અમેરિકાસ્થિત ઇન્ડિયા એબ્રોડ ગ્રૂપના ‘ગુજરાત ટાઈમ્સ’ સહિતના અખબારોમાં દીર્ઘ સમય સુધી પત્રકાર તરીકે ફરજ બજાવનાર ઠાકોરભાઈ પટેલનું ૮૮ વર્ષની વયે અમદાવાદમાં બીજી ડિસેમ્બરે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પત્ની સરલાબેન અને ત્રણ પુત્રી-જમાઇના વિશાળ પરિવારને વિલાપ કરતાં મૂકી ગયા છે.
ચરોતરના સુણાવમાં જન્મેલા અને સાબરકાંઠાના તલોદ, અમદાવાદમાં અભ્યાસ કરનાર ઠાકોરભાઈએ ‘જયહિંદ’થી પોતાની પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી હતી. ચરોતરની ધરતી ઉપર જન્મેલા હોવાથી પ્રારંભથી જ અન્યાય સામે લડાયક મિજાજ ધરાવતા ઠાકોરભાઈએ પાંચ દશક પૂર્વે કામદારો માટે લડત ચલાવી હતી. તેમણે ઈલેક્ટ્રિક મજદૂર સભાના સ્થાપક મહામંત્રી તરીકે કામદારોને આર્થિક લાભ અપાવ્યો હતો. છેક જમ્મુ-કાશ્મીરના કામદારો માટે એમણે લડત ચલાવી હતી.
અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યા પછી પણ એમણે અમેરિકા ઉપરાંત ભારતીય રાજકારણથી માંડીને પત્રકારો સાથેનો સંપર્ક સ્હેજેય ઓછો કર્યો નહતો. પૂર્વ વડા પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીથી લઈને રાજીવ ગાંધીના સુધીના નેતાઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા ઠાકોરભાઈના ભાઈ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ પણ ‘જયહિન્દ’ના દિલ્હી સ્થિત પ્રતિનિધિ હતા. ઇન્દિરા ગાંધીએ એમને રાજ્યસભાના સભ્ય તરીકે ટિકિટ પણ આપી હતી.
અમેરિકામાં એ વખતે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પત્રકારે એક પુસ્તક લખ્યું હતું. એમાં ભારતના પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ સામે સીઆઈએના જાસૂસ હોવાનો આરોપ મૂક્યો હતો. ઠાકોરભાઇએ આ આક્ષેપને પડકાર્યો હતો તો મોરારજીભાઇએ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના એ પત્રકાર સામે અમેરિકાની કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. આ કેસ અંગેના ઠાકોરભાઇના અહેવાલો ગુજરાતના અખબારોમાં વિગતવાર પ્રસિદ્ધ થયા હતા.