વરિષ્ઠ રાજદ્વારી કે. એચ. પટેલનું નિધન

Tuesday 22nd February 2022 06:37 EST
 
 

અમદાવાદઃ ભારત સરકારના ભૂતપૂર્વ હાઇ કમિશનર અને વરિષ્ઠ રાજદ્વારી કે. એચ. પટેલનું ૧૫ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા. નિવૃતિ બાદ પણ જાહેર જીવનમાં સતત સક્રિય રહેલા સ્વ. કે.એચ. પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)ના એનઆરજી સેન્ટરના ચેરમેન તરીકે લાંબો સમય સેવા આપી હતી અને વિદેશવાસી ભારતીયોનો વતન સાથેનો નાતો મજબૂત બનાવવામાં સેતુરૂપ કામગીરી કરી હતી. સ્વ.શ્રી કે.એચ. પટેલ ઉત્તર ગુજરાતના વતની હતા અને આપબળે સંઘર્ષ કરીને રાજદ્વારી ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચ્યા હતા. જ્વલંત શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સ્વ.શ્રી પટેલે ધ સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી જ્યારે નેધરલેન્ડસ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ સ્ટડીસમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું હતું. તેમણે વિવિધ દેશોમાં રાજદ્વારીથી માંડીને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વ.શ્રી પટેલે યુગાન્ડામાં હાઇ કમિશનર તરીકે જ્યારે રવાન્ડા અને બુરુન્ડીમાં એમ્બેસેડર તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. સરમુખત્યાર ઇદી અમીનના શાસનકાળ વેળા ભારતીયોને સામૂહિક હિજરત કરવાની ફરજ પડી ત્યારે તેમણે દેશબાંધવોને મદદરૂપ થવામાં કોઇ કસર છોડી નહોતી.

ઝળહળતી કારકિર્દી
આફ્રિકા ખંડ ઉપરાંત તેમણે ફ્રાન્સમાં કોન્સલ જનરલ તરીકે તો ન્યૂ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં ભારતના પરમેનન્ટ મિશનમાં ડિપ્લોમેટિક ઓફિસર તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી અદા કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છના રણ વિવાદ મામલે સ્વિત્ઝર્લેન્ડના જીનિવામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સ ટ્રિબ્યુનલની બેઠકમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે જોડાયા હતા. આ ઉપરાંત તેમણે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન - જિનિવા તેમજ યુનેસ્કો જનરલ એસેમ્બલી સેશન - બલ્ગેરિયા સહિત અનેક આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં તેમણે ડિરેક્ટર તરીકે વિદેશ નીતિલક્ષી બાબતોમાં ચાવીરૂપ જવાબદારી સંભાળી હતી. સ્વ.શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન વિશ્વના તમામ ભાગોમાં આવેલા ૪૦થી વધુ દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે રાજદ્વારી તરીકેની દીર્ઘ કારકીર્દિ સાથે સંકળાયેલા અનુભવો - સંસ્મરણોને વાચા આપતું પુસ્તક An Envoy Looks Back: A Memoir પણ લખ્યું છે, જે ગુજરાતીમાં ‘રાજદૂતના સંસ્મરણો’ તરીકે પ્રકાશિત થયું છે.

નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિ
નિવૃત્તિ બાદ સ્વ.શ્રી પટેલે વર્ષોસુધી ટાઇમ્સ ઓફ ઇંડિયા ગ્રૂપના કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી હતી. બાદમાં તેઓ ગુજરાત સરકારના નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષથી એ જીસીસીઆઇ સંચાલિત નોન-રેસિડેન્ટ ગુજરાતી (એનઆરજી) સેન્ટરના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા હતા.

એબીપીએલ સાથે ગાઢ નાતો
એક રાજદ્વારી તરીકે દેશ-વિદેશમાં સીમાચિહનરૂપ કામગીરી કરનાર સ્વ.શ્રી પટેલ સ્વભાવે એકદમ નમ્ર, સરળ અને ખૂબ જ મળતાવડા હતા. એબીપીએલ ગ્રૂપ અને એડિટર-ઇન-ચીફ શ્રી સી.બી. પટેલ સાથે ગાઢ નાતો ધરાવતા સ્વ.શ્રી પટેલ વર્ષ ૨૦૧૦માં ગુજરાત સમાચાર-Asian Voiceના ખાસ આમંત્રણને માન આપીને લંડનના આંગણે યોજાયેલા સ્વર્ણિમ ગુજરાત સમારોહમાં ભાગ લેવા બ્રિટન આવ્યા હતા. એબીપીએલ પરિવાર સ્વ.શ્રી કે.એચ. પટેલના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરે છે અને તેમના જીવનસાથી કાશીબહેન, પુત્ર-પૂત્રવધૂ ડો. સતીષ પટેલ તથા અમીબહેન સહિત પરિવારજનોને દિલસોજી પાઠવે છે.

પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.શ્રી કે.એચ. પટેલના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ... ઓમ શાંતિ શાંતિ શાંતિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter