વર્ક પરમિટ, પીઆર વિઝા ડોક્યુમેન્ટ્સ અમદાવાદથી જ પ્રમાણિત થશે

Wednesday 09th January 2019 06:12 EST
 

અમદાવાદઃ ગુજરાત, રાજસ્થાન, દિવ તથા દમણના નાગરિકોને હવે પીઆર કે વર્ક પરમિટના આધારે વિદેશ જતાં પૂર્વે તેમના ડોક્યુમેન્ટ્સ પ્રમાણિત કરાવવા દિલ્હી મોકલાવામાંથી મુક્તિ મળી જશે. તેમને આ ડોકયુમેન્ટસ અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસેથી જ પ્રમાણિત કરી આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે ગુજરાત પાસપોર્ટ ઓફિસરને આ સત્તા સુપરત કરી છે. અરજદારોને કોઇ તકલીફ ન પડે તે માટે અમદાવાદમાં પાંચ સ્થળે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. અરજદારે આ કલેક્શન સેન્ટર પર જ જે-તે ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી દેવાના રહેશે. પાસપોર્ટ પ્રક્રિયા ઝડપી બને તે માટે ગુજરાતમાં પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરાયા છે. તેને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

અત્યાર સુધી જે નાગરિકો પીઆર વિઝા લઇ વિદેશ જઇ રહ્યા હોય તે તથા વર્ક પરમિટ સાથે વિદેશ જતા અરજદારોને પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ દિલ્હી જઇને ચેક કરાવવા પડતા હતા પણ હવે આ ફેરામાંથી મુક્તિ મળશે.
ગુજરાત આરપીઓ નીલમ રાણીના જણાવ્યા મુજબ પહેલા આવા અરજદારોને પોતાના ડોક્યુમેન્ટ્સ દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં મોકલવા પડતા હતા. અરજદાર જે દેશમાં જવાનો હોય ત્યાંની કચેરી સાથે મંત્રાલય દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતું હતું અને ત્યાર પછી તેને પ્રમાણિત કરી આપવામાં આવતા હતા. આ પ્રક્રિયામાં ઘણી વખત વધારે સમય લાગી જતો હતો. છેલ્લા ઘણા સમયથી વિદેશ જતાં નાગરિકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ હકીકતથી વિદેશ મંત્રાલયમાં આવા ડોક્યુમેન્ટ્સ પ્રમાણિત કરવાનો કાર્યબોજ વધી ગયો છે. આથી વિદેશ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન, દિવ તથા દમણના અરજદારોના ડોક્યુમેન્ટ પ્રમાણિત કરવાની સત્તા ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસને સોંપી છે. આ અરજદારોને અમદાવાદથી જ પોતાના ડોક્યુમેન્ટસ પ્રમાણિત કરાવી શકશે. આ સેવા મંગળવારથી જ કાર્યરત કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter