માંજલપુરના વ્રજધામ મંદિરનાં સંસ્થાપક પૂ. ઇન્દિરા બેટીજી (પૂ.જીજી)નું ૨૯મી સપ્ટેમ્બરે મોડી રાતે દેહાવસાન થયું હતું. ૩૦મીએ સવારે ૮ વાગ્યાથી વ્રજધામ મંદિરના પ્રાંગણમાં પૂ. જીજીના નશ્વરદેહને લોકદર્શનાર્થે મૂકવામાં આવતાં દિવસ દરમિયાન રાજકીય, સામાજિક આગેવાનો સહિત હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ પૂ. જીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ૩૦મીએ સાંજે વિશ્વામિત્રીના કિનારે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીએ મુખાગ્નિ આપતાં પૂ. જીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. ૨૯મી સપ્ટેમ્બરે મોડી રાતે ૧૨.૪૪ કલાકે પૂ. જીજીએ અંતિમ શ્વાસ લઈને જીવનલીલા સંકેલી હતી.
વલ્લભકુળની ૧૬મી પેઢીનાં વારસદાર પૂ. ઇન્દિરાબેટીજી (પૂ.જીજી)ની અંતિમ યાત્રાનો ૩૦મી સપ્ટેમ્બરે સાંજે ૬.૩૦ કલાકે પ્રારંભ થયો હતો. પૂ. વ્રજરાજકુમારજી અને પૂ. ધ્રુમિલકુમારજી સહિત વલ્લભકુળ પરિવાર દ્વારા પૂ. જીજીના નશ્વરદેહને વ્રજધામની બહાર લઈ જવાઈ રહ્યો હતો ત્યારે વૈષ્ણવભક્તોએ આતશબાજી કરીને પૂ જીજીને દુનિયામાંથી વિદાય આપી હતી. આ ઉપરાંત પૂ. જીજીની અંતિમયાત્રામાં તોપથી તેમનાં પર પુષ્પવૃષ્ટિ કરી વિદાય આપવામાં આવી હતી. જીજી આશરે છેલ્લા બે મહિનાથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ૨૯મીએ સાંજ પછી તેમની તબિયત ગંભીર બની હતી.
જીજીનો જન્મ બીજી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ પૂ. મધુસૂદનલાલજી અને પૂ. ચંદ્રપ્રભાવહુજીના કુળમાં થયો હતો. પૂ. જીજીએ સંસ્કૃતમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, સર્વ શાસ્ત્રપુરાણનો અભ્યાસ કર્યો હતો અને આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે હિન્દુ ધર્મ અને પુષ્ટિભક્તિ માર્ગ વિષયક અનેક પુસ્તકનું પણ સર્જન કર્યું હતું.
જીજીએ જીવનમાં સમાજસેવા, જનસેવાને એક અવિરત યજ્ઞ બનાવ્યો હતો. જીજીએ મોરબીની મચ્છુ નદીમાં આવેલા પૂરથી પીડિતો માટે એ સમયે સહાયની વ્યવસ્થા કરાવી હતી અને લાતુર તેમજ કચ્છના ભૂકંપ બાદ આ વિસ્તારોના ગામ દત્તક લઈને પીડિતો માટે રહેવા માટે ઘર બનાવી આપ્યાં હતાં. જીજીના અવસાન બાદ તેમને અંજલિ આપવા વલ્લભકુળ પરિવારના પૂ. મથુરેશ્વરજી મહારાજ, પૂ. ચંદ્રગોપાલજી મહારાજ, પૂ. પ્રભુજી મહારાજ, પૂ. ધ્રુમિલકુમારજી મહોદય, પૂ. યોગેશ્વરજી મહોદય, કાંકરોલી નરેશ પૂ. વ્રજેશકુમારજી, સ્વામી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદ તેમજ હરિધામ સોખડાની સાધ્વી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મસ્થાનકોની સ્થાપના
જીજી નિત્યલીલામાં પધારતાં અનેક વૈષ્ણવાચાર્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિજીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પૂ. જીજી લગભગ ૨૦ વર્ષ પૂર્વે ભાગવત વિદ્યાપીઠ આવ્યા હતા ત્યારનાં સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. આ અંગે ભાગવત ઋષિજીએ જણાવ્યું કે, જીજીએ પુષ્ટિભક્તિ દ્વારા ઘર-ઘરમાં પ્રવેશ કરી અનેક જીવન ઉજાગર કર્યા. અનેક મંડળોની સ્થાપના કરી અને ભક્તિ સ્થાનકો સ્થાપી વિશ્વની અંદર લોકોને પુષ્ટિભક્તિની આરાધનાનો સરળ માર્ગ દર્શાવ્યો.
ભગવદ્ ગુણાનુવાદ દ્વારા અનેક જીવોને પ્રભુકેન્દ્રી બનાવ્યા. પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીજીને ગુરુભાવથી તેઓ પૂજતા હતા અને તેઓએ સાથે મળીને દેશ-વિદેશમાં અનેક ધર્મસ્થાનકોની સ્થાપના કરી હતી.
વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહોદયે જણાવ્યું કે પૂ. જીજીના નિત્યલીલા પ્રવેશથી પુષ્ટિમાર્ગને પૂરી ન શકાય તેવી ક્ષતિ થઈ છે. પૂ. જીજીના માધ્યમથી દેશ-વિદેશમાં હજારો લોકોના જીવન બદલાયા છે. આપનું જીવન એ જ આપનો સંદેશ હતો. ચાહે કચ્છના ભૂકંપ વખતની સેવા, લાતૂરમાં કરેલી અથવા સુનામી વખતે દક્ષિણ ભારતમાં કરેલી આપની સેવા, જીવમાત્ર માટે રહેલી આપની કરુણાના દર્શન કરાવે છે. મારી વાત કરું તો મેં આપનામાંથી જ પ્રેરણા લઈને શ્રીમદ ભાગવત કથા શરૂ કરી હતી. વૈષ્ણવાચાર્ય કુંજેશકુમાર મહોદયે જણાવ્યું કે, વૈષ્ણવાચાર્ય ઈન્દિરાબેટીજી મહોદયાના ગોલોકધામના પ્રવેશથી દુઃખ અને આઘાતથી લાગણી જન્મી છે. તેઓ વૈષ્ણવધર્મના સ્તંભ સમાન હતા. તેઓના કાર્યોને સમગ્ર વૈષ્ણવ સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં.
ઈન્દિરાબેટીજીના સ્વર્ગવાસ બાદ ખાસ કરીને વૈષ્ણવ ટેમ્પલ-ન્યુ યોર્ક ખાતે પણ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું.


