વળતર ન ચૂકવાતાં ખેડૂતો સચિવાલયનાં કમ્પ્યુટર્સ અને ટેબલ ઊઠાવી ગયા!

Wednesday 03rd October 2018 08:08 EDT
 
 

ગાંધીનગરઃ પાટનગરની રચના વખતે સરકારે સંપાદન કરેલી જમીનના ઓછા વળતર સામે ધોળાકૂવાનાં ૨૧ ખેડૂતો ૨૧ વર્ષથી કેસ લડીને કેસ જીત્યા હતા.
સુપ્રીમ કોર્ટે તેમને કુલ રૂ. ૩૯ કરોડની રકમ ચૂકવવા સરકારને આદેશ કર્યો હતો, પરંતુ વળતરની રકમ ચુકાદાના અઢી વર્ષ બાદ પણ ન ચૂકવાતા ગાંધીનગર કોર્ટે વોરન્ટ કાઢતા અરજદાર ખેડૂતો સચિવાલય સંકુલમાં આવેલી પાટનગર યોજના વિભાગ-૨ની કચેરીમાંથી કમ્પ્યુટર્સ તથા ટેબલો સહિતની મિલકતો જપ્ત કરીને ઘરે લઈ ગયા છે. રાજ્યના ઇતિહાસમાં સચિવાલય સંકુલમાં આવેલી કોઈ કચેરીમાંથી સરકારી મિલકતની જપ્તીની પ્રથમ ઘટના ૨૬મીએ બની હતી. ધોળાકૂવાના ૨૧ ખેડૂતો વતી સુપ્રીમ કોર્ટ સુધી લડનારા ખેડૂત રણજિતસિંહ વાઘેલાએ કહ્યું કે, સરકારે જમીન સંપાદિત કર્યા બાદ પ્રતિ ચો.મી.નો રૂ. ૧૧૫ ભાવ ગણી કોર્ટે વળતર જાહેર કર્યું હતું.
ખાનગી જમીનના આટલા ઓછા વળતર સામે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જતાં રૂ. ૩૫૦૦નો ભાવ નક્કી કર્યો હતો. જોકે સરકાર તેની સામે હાઇ કોર્ટમાં ગઈ હતી અને ત્યાંથી પણ એ જ વળતર નક્કી રહેતાં મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો.

સચિવાલયમાં ચકચાર

એક તરફ ખેડૂતોએ કહ્યું કે આ મિલકતની નહીં, પણ સરકારની આબરૂની જપ્તી થઈ ગઈ છે તો બીજી તરફ સચિવાલયમાં આ પ્રકરણથી હોહા મચી છે. જોકે ખેડૂતોએ કહ્યું કે, બાકી વળતર સામે જપ્ત કરાયેલી સરકારી મિલકતની કિંમત કશી નથી, પરંતુ એક રીતે આ સરકારની આબરૂની જપ્તી છે. સરકાર માટે આટલી રકમની કે વળતરની જે રકમ ચૂકવવાની થાય તેની કોઇ વિસાત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter