વાંકાનેરઃ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા વાંકાનેરના દાનવીર બંધુઓ હિંમતભાઈ અને રસિકભાઈ દોશીની બંધુ બેલડીમાંથી રસિકભાઈ દોશી (ઉં. ૯૦) તાજેતરમાં સ્વર્ગવાસ પામ્યા છે. રસિકભાઈ દોશીએ ગુજરાતની સૌ પ્રથમ ઈન્સ્ટિટયૂટ ઓફ કીડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર માટે માતબર દાન આપ્યું હતું. ૧૯૮૧માં સ્થાપિત કીડની હોસ્પિટલ વિશ્વની સૌથી મોટી કીડની હોસ્પિટલોમાંની એક છે. આ હોસ્પિટલમાં કીડનીને લગતા ઓપરેશન તો થાય જ છે સાથે આધુનિક મેડિકલ સારવારથી દર્દીને ઉપયોગી કેવી રીતે થઈ શકાય તે માટે રિસર્ચ પણ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૪૦૦ બેડની આ કીડની હોસ્પિટલમાં ૬૦૦૦થી વધુ કીડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યાં છે.
રસિકભાઈએ વતન વાંકાનેરમાં પણ ન્યાલચંદ રાજપાળ દોશી (એન.આર.દોશી) આંખની હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલમાં પણ હજારો લોકોનાં મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે થયાં છે. આ ઉપરાંત ત્રાંસી આંખના ઓપરેશન સહિતની બીમારીઓનાં નિદાન અને દવા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાઈ છે.

