ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વના ખ્યાતનામ લોકોનો સૌથી મોટો મેળાવડો બને તે માટે રાજય સરકાર દ્વારા તમામ રીતે પ્રયાસ થઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગ્લોબલ સીઇઓની બેઠક હતી તેમાં હવે ૩૫ જેટલા વિદેશની જાયન્ટ કંપનીઓના સીઇઓને સામેલ કરી ભારતીય કંપનીના સીઇઓ મળીને કુલ ૫૮ જેટલા સીઇઓ સાથે મીટીંગ યોજવામાં આવશે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ફ્લિપકાર્ટ ઇન્ડિયાના સચિન બંસલથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ વોડાફોન, ફેડ એક્સ અને હિટાચી જેવી અન્ય વિખ્યાત કંપનીઓના માધાંતાઓ પણ સમિટમાં આવશે. તે સાથે અમેરિકાના પ્રતિનિધિ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એશિયા એન્ડ સેન્ટ્રલ એશિયા અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી નિશા દેસાઇ બિસ્વાલ અમેરિકાના ઉદ્યોગ જગતના સો જેટલા પ્રતિનિધિઓને લઇને ભાગ લેશે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. કે. તનેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સમિટમાં અત્યાર સુધી ૧૭ હજારથી વધુનું રજિસ્ટ્રેશન થઇ ચૂકયું છે અને વિવિધ સેમિનાર માટે ૨૩,૮૨૮ જેટલી રિકવેસ્ટ મળી છે જયારે ઉદ્યોગપતિઓની સરકાર સાથેની અને તેમની વચ્ચેની બેઠક યોજવા માટે ૩૯૪૪ જેટલી દરખાસ્તો મળી છે. સમિટનું બાયસેગથી બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે અને નોબેલ પારિતોષિક વિજેતાઓની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના મહેમાનો માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે જેમાં ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટનું મોહન વીણાવાદન પણ હશે. તે સાથે અમદાવાદ નજીક કેન્સવિલે ખાતે ગોલ્ફ ઇવેન્ટનું પણ આયોજન કરાશે.
આશરે ૧,૫૦૦ કંપનીઓના સ્ટોલ ઊભા થશે
ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ સ્થિત કાયમી એક્ઝિબિશન સેન્ટરમાં ૯મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ- શોનું ઉદ્દધાટન કરશે. ૧.૫૦ લાખ ચોરસ મીટર એરિયામાં વિસ્તરાયેલા આ એક્ઝિબિશન સેન્ટરમાં ૧૩મી જાન્યુઆરી સુધી યોજનારા ગ્લોબલ બિઝનેસ હબમાં વિદેશની યુનિવર્સિટીઓમાં સીધા જ એડમિશનની પ્રક્રિયાથી લઈને સ્કિલ્ડ પર્સનને જોબ ઓફર માટે પણ વ્યવસ્થાઓ સર્જવામાં આવી છે.
મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે કહ્યું હતું કે, એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોબાઈલ, આઈટી, સેઝ, એવિયેશન, એજ્યુકેશન જેવા ૨૫ સેક્ટરમાં ૧૫૦૦ કંપનીઓ સાથેનું આ એક્ઝિબિશન જોવા ૨૦ લાખથી વધુ મુલાકાતીઓ આવશે તેવી ધારણા સાથે અનેક સ્તરીય આયોજન કરાયું છે. આ સેન્ટરમાં ૧૪ થીમ પેવેલિયન પણ ઉભા કરવામાં આવ્યા છે. એક્ઝિબિશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પણ હશે. ૯મીથી શરૂ થઈ રહેલા એક્ઝિબિશનમાં ૧૦ અને ૧૧ જાન્યુઆરીના બે દિવસ બિઝનેસ ડેલિગેટ્સ, એકેડેમિક્સ માટે અનામત રખાયા છે. ૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા પણ આ એક્ઝિબિશનનો લાભ લઈ શકશે.
૨૪ દેશોના હાઇ કમિશનર એમ્બેસેડર્સનું આગમન
વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ દેશના વડા-ગ્લોબલ સીઇઓ, નોબેલ પારિતોષિક વિજેતાઓ, વિજ્ઞાનીઓ સહિત ૨૪ દેશના હાઇ કમિશનર અને એમ્બેસેડર્સ ભાગ લઇ રહ્યા છે. તેવું રાજ્ય સરકારના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે. સરકારે કહ્યું છે કે, દેશી વિદેશી અધિકારીઓના આગમનથી કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધી વર્લ્ડની થીમ વાઈબ્રન્ટમાં સાકાર થશે. વાઇબ્રન્ટનું આયોજન સારી રીતે પાર પડે તે માટે IAS-IPS સહિતના ઉચ્ચ અધિકારીઓની મળીને કુલ ૧૯ અલગ અલગ કમિટી બનાવાઈ છે.
સમિટમાં યુએઇ, સર્બિયા, પોર્ટુગલ, માલી, રિપબ્લીકન કોરિયા જેવા દેશોના એમ્બેસેડર કે હાઇ કમિશનર પણ ભાગ લઇ રહ્યા છે. જેમાં કેટલાક ભારતીય મૂળના વિદેશી રાજદ્વારીઓનો પણ સમાવેશ થાય છે. પોર્ટુગલના એમ્બેસેડર કે. નંદિની સિંગલા, સર્બિયાના એમ્બેસડર નરિન્દર ચૌહાણ, કેન્યાના હાઇ કમિશનથી સૂચિત્રા દુરાઇ અને ઓસ્ટ્રેલિયાના હરિન્દર સિંધુ વગેરેનો સમાવેશ થાય છે.
સમિટના આયોજન માટેની ૧૯ ટીમમાં ગુજરાત અને દિલ્હીના સનદી અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જે ગ્લોબલ ટ્રેડ શોથી લઇને મહેમાનોની આગતાસ્વાગતા, સિક્યોરિટી અને મુખ્ય ઇવેન્ટને લગતી મુખ્ય જવાબદારીઓ સંભાળશે. સિક્યોરિટી કમિટીમાં ચાર અધિકારીઓ સામેલ છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાગુર, આઇપીએસ અધિકારીઓ શિવાનંદ ઝા, આર. બી. બ્રહ્મભટ્ટ અને મનોજ અગ્રવાલનો સમાવેશ થાય છે. ગ્લોબલ સીઇઓની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મહત્ત્વની બેઠક માટે સનદી અધિકારીઓ સુજીત ગુલાટી, અજય ભાદુ અને ઇન્વેસ્ટ ઇન્ડિયાના સીઇઓ દીપક બાગલા તેમજ એમઇએના ડિરેકટર નાગરાજ નાઇડુનો સમાવેશ કરાયો છે. મોદી સાથે વન-ટુ-વન કમિટી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠકોના સંકલનની જવાબદારી સનદી અધિકારીઓ એલ ચુઆંગો, એસ અપર્ણા અને મનિષા ચંદ્રાને સોંપાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ-એમઓયુ કમિટીમાં સંજય પ્રસાદ, અંજુ શર્મા વગેરે અને નોબેલ પારિતોષિક વિજેતાઓના કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી બી. બી. સ્વેઇન, ધનંજય દ્વિવેદી, રૂપવંતસિંઘ અને ગુજકોસ્ટના એડવાઇઝર ડો. નરોત્તમ શાહુને સોંપાઈ છે. વાઈબ્રન્ટ સમિટના ગાળામાં અમદાવાદ એર પોર્ટ પર ૨૫ પ્રાઇવેટ જેટની આવનજાવન રહેશે.


