વાઇબ્રન્ટના સમિટ ઉદઘાટનમાં વડા પ્રધાન સાથે પાંચ રાષ્ટ્ર પ્રમુખની ઉપસ્થિતિ

Thursday 17th January 2019 05:37 EST
 
 

ગાંધીનગરઃ ૧૮મી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પાંચ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાંત વિવિધ દેશોના ટોચના ઉદ્યોગપતિઓ સહિત ૧૨૫ મહાનુભાવ એક મંચ ઉપર ઉપસ્થિત રહેશે. સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે રહેશે. ૧૮મીએ વાઈબ્રન્ટના ઉદ્દઘાટન પહેલાં તેઓ ગાંધીનગરમાં ટ્રેડ શો, અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ અને વી. એસ. હોસ્પિટલનું લોકાપર્ણ કરશે.
૨૦મીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટનું સમાપન થશે. સમિટ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિરની મુલાકાત લઈને કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. રૂપાણીએ જણાવ્યું કે, સમિટ માટે ૩૦ હજારથી વધુ ડેલિગેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે ૨૬ હજારથી વધુ કંપનીઓ ભાગ લેવા આવી રહી છે. ૧૧૫ દેશના પ્રતિનિધિ સમિટમાં ભાગ લેશે. ૧૫ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે. વડા પ્રધાન મોદીના હસ્તે ૧૭મીએ ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. મોદી વીએસ હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલને પણ ખુલ્લો મુકશે.
મહાત્મા મંદિરમાં વડા પ્રધાન મોદી માટે અલગ લોંજ તૈયાર કરાઈ છે જ્યાં તેઓ અલગ અલગ મહાનુભાવો સાથે બેઠક યોજશે. વીવીઆઇપી ગાલા ડિનર માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. ‘આફ્રિકા ડે’ની ઉજવણીમાં ૪૫ દેશોના પ્રતિનિધિઓ જોડાશે. વડા પ્રધાન મોદી ૧૮મીએ પણ ગાંધીનગર રાજભવનમાં રાત્રિરોકાણ કરીને ૧૯મીએ સેલવાસ રવાના થશે.

૧૯ ઉદ્યોગપતિઓની હાજરી

આ સમિટમાં મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), એન. ચંદ્રશેખરન (ટાટા સન્સ), કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ), ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ), અદિ ગોદરેજ (ગોદરેજ ગ્રૂપ), તુલસી તંતી (સુઝલોન એનર્જી), પંકજ પટેલ (કેડિલા હેલ્થકેર), સુધીર મહેતા (ટોરેન્ટ ગ્રૂપ), બાબા કલ્યાણી (ભારત પોર્જ), ઉદય કોટક (કોટક મહિન્દ્રા), રાજીવ મોદી (કેડિલા ફાર્માસ્યુટિકલ), સંજીવ પુરી (આઇટીસી), રાકેશ ભારતી મિત્તલ (ભારતી એન્ટર), સંદીપ સોમાની (હિન્દુસ્તાન સેનેટરીવેર), બી. કે. ગોયેન્કા (વેલસ્પન), દીપક પારેખ (એચડીએફસી), રજનીશકુમાર (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા), શશી શંકર (ઓએનજીસી), સંજીવસિંહ (આઇઓસીએલ) હાજરી આપશે.

વાઇબ્રન્ટ સમિટ પાકિસ્તાન પણ પાર્ટનર

આ વખતની વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકન દેશો સાથે ગુજરાત અને ભારતના વેપારને વિસ્તારવા ખાસ આફ્રિકા-ડેની ઉજવણી કરાશે. વાઈબ્રન્ટ સમિટ અંગેની માહિતી આપતા ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘે સાયન્સ સિટીમાં ૧૭ જાન્યુઆરીએ યોજાનારા સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ વિષય ઉપર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યાનું જણાવ્યું હતું. ૧૮મીએ સમિટના ઉદ્દઘાટન બાદ વડા પ્રધાન ગ્લોબલ સોવરિન વેલ્થ ફંડ્સ માટે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. વિવિધ દેશોના રાષ્ટ્રપ્રમુખ, પ્રધાનો, નેતાઓ અને વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ સાથે પીએમઓ દ્વારા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાઈબ્રન્ટમાં પાકિસ્તાને ભાગ લીધો તેથી અમે ખુશ

ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસેલા રહે છે ત્યારે વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સને અપાયેલા આમંત્રણ અંગે વિવાદ ઉભો થયો છે. આ અંગે મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પાકિસ્તાન ચેમ્બરને બોલાવ્યું છે અને અમે આ પગલાંને આવકારીએ છીએ. સિંઘે કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ આ વખતે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે વાઈબ્રન્ટસમિટમાં ઇન્ટરનેશનલ ચેમ્બરને બોલાવવામાં આવે. અમે તેનાથી ખુશ છીએ. ૩૦ દેશો પૈકી એક પાકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સ પણ તેમાં આવે છે. તેમાં કોઈ ખોટું નથી. પાકિસ્તાન અને આપણી વચ્ચે ટ્રેડ તો ચાલે જ છે. ત્યાંથી કોટન આવે છે, આપણે પણ મોકલીએ છીએ. ટ્રેડ ચાલુ છે ત્યારે ચેમ્બર તેમાં ભાગ લેવા આવે તેમાં ખોટું નથી. ગુજરાત સરકારે પાકિસ્તાનને નથી બોલાવ્યું, ચેમ્બર ઓફ કોમર્સે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સમિટ દરમિયાન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સનો સેમિનાર યોજાનાર છે જેમાં પાકિસ્તાનમાંથી પંજાબ કેમિકલ્સ એન્ડ ડાઇઝ મર્ચન્ટ એસોસિએશન, સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પાકિસ્તાન, ફૈઝલાબાદ ચેમ્બર ઓફ સ્મોલ ટ્રેડર્સ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ પણ ભાગ લેશે.

ચેમ્બરે ઓફ કોમર્સે પાકિસ્તાનને તેડાવ્યું

પાકિસ્તાનથી કરાચી ચેમ્બર ઓફ કોર્મસનું ડેલિગેશન વાઈબ્રન્ટ સમિટમાં આવી રહ્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગ્લોબલ ચેમ્બર કોર્મસની બેઠક યોજી રહ્યુ છે. તેમાં પાકિસ્તાનના વેપારી મહામંડળ આવી રહ્યુ છે.

મેટ્રો રેલનો ટ્રાયલ રન નહીં

વાઈબ્રન્ટ સમિટ વખતે મોદીની હાજરીમાં મેટ્રો રેલનો ટ્રાયલ રન થશે. તેવી અગાઉ જાહેરાત થઈ હતી. જો કે, ચીફ સેક્રેટરીએ હમણાં આવું કોઈ આયોજન નથી તેમ કહ્યું હતું.

વાઈબ્રન્ટમાં નવીન બાબતો

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલઃ દેશમાં સૌ પ્રથમવાર વડા પ્રધાન મોદી સોવરિન વેલ્થ ફંડના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ યોજશે.
ગુજરાત સ્પ્રિન્ટ ૨૦૨૨: વર્ષ ૨૦૨૨માં અને તે પછી ગુજરાત કેવું હશે તેની ઝાંખી દર્શાવતો ખાસ સેમિનાર યોજાશે.
ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સઃ વિશ્વ હવે રિન્યૂએબલ એનર્જી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ૧૨૧ દેશોના બનેલા સોલાર અલાયન્સ દ્વારા વાઇબ્રન્ટ સમિટમાં સેમિનાર યોજી સોલાર એનર્જીનું ઉત્પાદન વધારવા પરામર્શ કરાશે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલઃ દુબઈની થીમ પર અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેને એક બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ થશે.

સમિટનો સિનારિયો આંકડામાં

• ચાર શહેરોમાં વાઈબ્રન્ટ યુથ કનેક્ટ ઈવેન્ટ્સ
• ૧૫ દેશો, ૧૧ આંતરાષ્ટ્રીય સંસ્થા ભાગીદાર
• કન્ટ્રી સેમિનરમાં ૨૨ દેશોમાંથી પ્રતિનિધિત્વ
• આફ્રિકાના ૫૪ દેશો ટ્રેડ શોમાં હાજર રહેશે.
• દેશી-વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter