ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કેનેડા સતત ત્રીજીવાર પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે. વખતે સમિટમાં કેનેડાનું મોટુ ડેલિગેશન ભાગ લેશે. કેનેડાના ભારત સ્થિત હાઇ કમિશનર નાદિર પટેલે ડેલિગેશન સાથે સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લઇને વાઈબ્રન્ટ સમિટના આયોજન અંગે ચર્ચા કરી હતી. કેનેડા વૈશ્વિક સ્તરે ડાયમંડના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન ધરાવે છે જ્યારે ગુજરાતનું સુરત ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં કેપિટલ તરીકે ઓળખાય છે ત્યારે ક્ષેત્રમાં બંને વચ્ચે પાર્ટનરશિપ અંગે પરામર્શ થયો હતો. બેઠકમાં ગુજરાત અને કેનેડા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જી, ઓટોમોટિવ, ઓઇલ એન્ડ ગેસ, એગ્રીકલ્ચર, એજ્યુકેશન સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી અંગે ચર્ચા થઇ હતી.
બીજી તરફ અમેરિકાએ વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ ૨૦૧૭માં ‘પાર્ટનર કન્ટ્રી’ બનવાની ઓફર ઠુકરાવી દીધી છે. આ ઘટનાક્રમ મહત્ત્વનો બનવાનું કારણ એ છે કે ૨૦૧૫ની વાઈબ્રન્ટ પરિષદમાં અમેરિકા પહેલવાર ‘પાર્ટનર કન્ટ્રી’ બન્યો હતો અને એણે એના સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે વિદેશ પ્રધાન જોન કેરીને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. અમેરિકાએ શા માટે ‘પાર્ટનગર કન્ટ્રી’ બનવાની ના પાડી તે અંગે કંઈ નિવેદન નથી, પરંતુ ‘પાર્ટનર કન્ટ્રી’ બનવાની બાબત ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે સંભાળતા હતા, તેમ ઉલ્લેખતા સૂત્રો કહે છે કે, અમેરિકા સરકારે જોકે વાઈબ્રન્ટ પરિષદને સહયોગ આપવાની તૈયારી બતાવી છે.
વર્ષ ૨૦૧૫ની વાઈબ્રન્ટ પરિષદમાં અમેરિકા સહિત યુકે, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા અને સિંગાપોર મળીને કુલ ૮ ‘પાર્ટનર કન્ટ્રી’ બન્યા હતા. આ વખતે અમેરિકા ઉપરાંત બીજા ૧૦ દેશોને પાર્ટનર કન્ટ્રી બનાવવાનો પ્રયાસ થયો છે. જે પૈકી ફ્રાન્સ, જર્મની, યુએઈ, તથા પોલનેડ નવા ઉમેરાયા હતા. અલબત્ત સૂત્રો કહે છે કે અમેરિકા એ ઓફર ઠુકરાવતો પત્ર મોકલ્યો છે. એ સાથે કેનેડા, જાપાન, યુકે, નેધરલેન્ડ અને પોલેન્ડ તરફથી સંમતિપત્રો મળી ચૂક્યા છે. હજી જર્મની, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને સિંગાપોર ‘કન્ફર્મેશન’ મળ્યાં નથી. ગયા વખતે ‘પાર્ટનર કન્ટ્રી’ બનેલા સાઉથ આફ્રિકાને આ વખતે ઓફર જ કરાઈ નથી.
સૂત્રો કહે છે કે સ્વિત્ઝરર્લેન્ડને ‘પાર્ટનર કન્ટ્રી’ બનાવવા તથા ત્યાંથી બિઝનેસ ડેલિગેશન આવે તે માટે દિલ્હીથી ભરપુર પ્રયાસો થઈ રહ્યાં છે.

