ગાંધીનગરઃ ૧૮થી ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમિટને વિશ્વના ઉદ્યોગકારોની હાજરીમાં ખુલ્લી મૂકશે. આ સમિટમાં ૧૯મીએ ‘આફ્રિકા ડે'ની ઉજવણી થશે. ગુજરાતમાં યોજાનાર નવમી દ્વિવાર્ષિક સમિટ એ હવે ગુજરાતમાં જ રોકાણકારો, ઉદ્યોગજગત માટે વિવિધ તકોને એક્સ્પ્લોર કરવાની તક પૂરી પાડવા સાથે વિશ્વજગતના લોકોને ભારત તેમજ ભારતમાંથી વિશ્વના દેશોમાં રોકાણની તકો, સંભવના અને ભવિષ્ય સંદર્ભે ચર્ચા-વિચારણાનું એક પ્લેટફોર્મ બની રહ્યું છે. ‘આફ્રિકા ડે’ની ઉજવણી એ તેનો ભાગ છે, તેમ કહી સૂત્રો કહે છે કે, ૨૦૦૦ના વર્ષ પછી આફ્રિકાના દેશોમાં ભારત સહિત વિશ્વના દેશોએ પોતાના રોકાણો, પ્રોજેક્ટ્સ ઊભા કર્યા છે. આફ્રિકા અપાર કુદરતી સંપત્તિ અને રોકાણોની વિપુલ તક ધરાવતો ખંડ છે. આ સંજોગોમાં ભારતે પણ કેટલાક સમયથી આફ્રિકાના વિવિધ દેશો સાથેના રાજદ્વારી અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કર્યા છે. અલબત્ત, આવા સંબંધો તો સદીઓ પુરાણા હતા. છેલ્લા બે દશકમાં જોઇએ તો ભારત ૧૯૮૨માં આફ્રિકન ડેવલપમેન્ટ ફંડ (એડીએફ)માં જોડાયું હતું અને ૧૯૮૩માં આફ્રિકન ડેવલપમેન્ટ બેંક (એએફડીબી)માં જોડાયા પછી દ્વિપક્ષીય વેપારી સંબંધોના ૧૯ સમજૂતી કરારો થયા છે.
૨૦૧૭માં ભારત અને આફ્રિકા વચ્ચેના આ સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે ગુજરાત નિમિત્ત બન્યું હતું, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભા અહીં મળી હતી અને ઇન્ડો આફ્રિકન કોઓપરેશન ઇવેન્ટ પણ યોજાયો હતો. ૨૦૧૭માં યોજાયેલી ગ્લોબલ સમિટ વેળાએ આફ્રિકાના ૧૮ દેશોમાંથી ૧૬૦ ડેલિગેટ્સ, મહાનુભાવોએ ભાગ લીધો હતો અને આફ્રિકન કન્ટ્રી સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ જ રીતે હવે ૨૦૧૯માં યોજાનાર સમિટમાં વિશ્વના નેતાઓ અને ઉદ્યોગજગતના મહાનુભાવોને દ્વીપક્ષીય રોકાણો સંદર્ભે ચર્ચા વિમર્શ, તકોની ચકાસણી માટે ‘આફ્રિકા ડે’ મહત્ત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે. ખાસ કરીને રાજ્યના રોકાણકારોને પણ વિશેષ સહાય થશે.
આઠ વર્ષમાં ૪.૯ બિલિયન ડોલર રોકાણ
રિઝર્વ બેંકના ૨૦૧૮ના આંકડાઓમાં જણાવાયું છે કે, ૨૦૦૮થી ૨૦૧૬ દરમિયાન ભારતમાંથી વિશ્વના દેશોમાં ૨૫૦.૯ બિલિયન યુએસ ડોલરનું રોકાણ થયું છે. જ્યારે એ જ સમયમાં ૫૨.૬ બિલિયન યુએસ ડોલર આવ્યું છે. ભારતમાંથી બીજા દેશોમાં થયેલા રોકાણોમાં જોઇએ તો ૨૧ ટકા રોકાણ આફ્રિકાના દેશોમાં થયું છે. ૨૦૦૮માં આ રોકાણ ૩.૨ બિલિયન યુએસ ડોલર હતું, તે વધીને ૨૦૧૬માં ૪.૯ બિલિયન યુએસ ડોલર થયું છે. એમાંય ૨૦૧૦થી ૨૦૧૪માં આ આંકડો બમણો થયો હતો. ૫૯૭ ભારતીય કંપનીઓએ આફ્રિકામાં ૫ બિલિયન યુએસ ડોલરના રોકાણ કર્યા છે જેમાં ટોપની ૧૧ મહત્ત્વની કંપનીઓનો ફાળો ૮૦ ટકા છે..
જીએનએફસી, જીએસપીસીના પ્રોજેક્ટ્સ
ભારતીય કંપનીઓમાં ગુજરાત સરકારના બે સાહસોના આફ્રિકામાં પ્રોજેક્ટ્સ છે. ૨૦૦૮થી ૨૦૧૬ દરમ્યાન થયેલા રોકાણોમાં જોઇએ તો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનું ઇજીપ્તમાં રોકામ છે જ્યારે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સનું ટ્યુનિસિયામાં એકમ આવેલું છે. ભારતીય કંપનીઓમાં ઓએનજીસી વિદેશ (ઓવીએલ) ૩૦૧૯.૧ મિલિયન યુએસ ડોલર સાથે ૫૯.૮ ટકા, જીએસપીસી ૩૧૯.૭ મિલિયન યુએસ ડોલર સાથે ૬.૩ ટકા, ઇન્ટરલેબલ્સ ઇન્ડસ્ટ્રિઝ ૧૨૧.૪ મિલિયન યુએસ ડોલર સાથે ૨.૪ ટકા, ઓઇલ ઇન્ડિયા ૧૦૫.૪ મિ.યુ.ડો. સાથે ૨.૧ ટકા, કોરોમ્ડલમ્ ૯૭.૫ મિ.યુએસ ડોલર સાથે ૧.૯ ટકા રોકાણ આફ્રિકાના દેશોમાં કર્યું છે.

