ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મીએ મહાત્મા મંદિરે આવ્યા ત્યારે તેમના કાફલાની પાછળ એક પ્રેસ લખેલી કાર પણ ઘૂસી હતી. આ કારમાં બેઠેલો માણસ છેક વડા પ્રધાનના ભોજનકક્ષ પાસે આવેલી વીવીઆઇપી ગેલેરી સુધી પહોંચી ગયો હતો. પ્રથમ માળે કે જ્યાં વડા પ્રધાન માટેની લોંજ હતી ત્યાં સુધી તે પહોંચી ગયો હતો. જોકે સુરક્ષા એજન્સીઓએ તેને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં આ માણસનું નામ આકીબ મેમણ હોવાનું અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો રહીશ હોવાનું ખૂલ્યું હતું. આ સાથે વધુ તપાસમાં જણાયું કે, પ્રેસ લખેલી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે-૨૭-એએચ-૭૬૧૮ વડા પ્રધાનના કાફલાની પાસે જ પાર્ક કરી હતી. તે કાર પણ તેણે ભાડે લીધી હતી. આકીબ પાસેથી દુબઇનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું છે તથા તેનું દુબઇ અને શારજાહ સુધી કનેક્શન જણાયું છે. તેણે પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. આકીબની ગુજરાત એટીએસ સઘન પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તેણે પોતે એન્ટીક ચીજવસ્તુનો વેપારી હોવાનું જણાવ્યું હતું.

