વાયબ્રન્ટમાં આવેલા વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાડાશે

Saturday 19th January 2019 05:48 EST
 
 

ગાંધીનગરઃ તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પતંગોત્સવની ઉજવણી બાદ સરદારની આ વિશાળ પ્રતિમાના વૈશ્વિક પ્રમોશન માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા વિદેશી મહેમાનોને કેવડિયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લઈ જવાની તૈયારી પણ સરકારે કરી છે. વિદેશી મહેમાનો તેમની અનુકૂળતા મુજબનો સમય નક્કી કરશે તે પ્રમાણે તેમને સ્ટેચ્યુની મુલાકાત લઈ જવામાં આવશે. રાષ્ટ્ર પ્રમુખોને લઈ જવા માટે હેલિકોપ્ટરની સુવિધા પૂરી પડાશે.
વાયબ્રન્ટમાં ભાગ લેવા આવી રહેલા વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ મુલાકાત લેવા સરકાર તરફથી આમંત્રણ આપ્યું છે. પ્રવાસન નિગમના એમડી જેનુ દેવને કહ્યું કે અમે વિદેશી મહેમાનોને આમંત્રણ આપ્યું છે. તેઓ તેમનો શિડ્યુઅલ અમને મોકલશે. તે પ્રમાણે તેમના માટે સરકાર તરફથી વ્યવસ્થા કરાશે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રપ્રમુખો સહિતના મહાનુભાવો સ્ટેચ્યુની મુલાકાતે જવા ઇચ્છતા હશે તો તેમના માટે ખાસ હેલિકોપ્ટરની સુવિધા ગાંધીનગર અથવા અમદાવાદથી કરાશે. ઉપરાંત અન્ય મહાનુભાવોને તેમના પ્રોટોકોલ મુજબ લકઝુરિયસ કારની પણ વ્યવસ્થા કરાશે.

વાયબ્રન્ટમાં વિશ્વની પ્રથમ ઊડતી કાર

વાયબ્રન્ટ સમિટ દરમિયાન નેધરલેન્ડની કંપની પાલ-વી વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ કરશે. આ કાર રસ્તા પર ડ્રાઇવ કરતી વખતે ૧૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અથવા આકાશમાં ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. નેધરલેન્ડના નાણા પ્રધાન મેનો સ્નેલના વડપણ હેઠળના ડેલિગેશનમાં પાલ-વીના પ્રતિનિધિઓ સામેલ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter