વડોદરા, સુરત, રાજકોટ: ઓખી વાવાઝોડાની ઘાત છઠ્ઠીએ ટળી તો ગઇ પરંતુ જતાં-જતાં આખા રાજ્યને ઠંડીથી ધ્રૂજાવતું ગયું. છઠ્ઠીએ સવારે બે વાગ્યે લો ડિપ્રેશનમાં ફેરવાયેલું વાવાઝોડું હજીરા નજીકના દરિયામાં સમેટાઈ ગયું હતું. પરંતુ તેના કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ પાસેના ઉમરગામમાં ૬ ઇંચ અને ખેરગામમાં ૨૪ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. કાતિલ ઠંડીથી ગોધરામાં મકાનકૂવા વિસ્તારમાં એક કિશોરી તેમજ રાજકોટમાં અતિથિચોકમાં પચાસ વર્ષના ભિક્ષુકનું મોત થયું હતું.અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મોટા ભાગે સૂર્યોદય થવા પામ્યો હતો.
રૂપાણીએ ચૂંટણી પ્રચાર પડતો મૂકી સુરત પહોંચ્યા
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પાંચમી ડિસેમ્બરે રાજકોટમાં મુખ્ય પ્રધાનની ત્રણ ચૂંટણીલક્ષી સભાઓ હતી, પરંતુ સુરતમાં સંભવિત ‘ઓખી’ વાવાઝોડાની ત્રાટકવાની સ્થિતિની ખબર પડતાં જ રૂપાણીએ રાજકોટનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ મુલતવી રાખીને સુરત જવા નીકળી ગયા હતા.
સુરત પહોંચીને રૂપાણીએ જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, સહિતનાં સમગ્ર વહીવટી તંત્રનાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ વાવાઝોડા અંગેની છેલ્લામાં છેલ્લી વિગતો લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ જે. એન. સિંહ, આઈએએસ અધિકારી મનોજ દાસ, મહેસૂલ વિભાગનાં સચિવ સહિતનાં ટોચના અધિકારીઓ હાજર હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં કેટલાક સ્થળે પતરાંના કાચા મકાનો છે. વાવાઝોડા અને ભારે પવન વચ્ચે આવા મકાનો પડી જવાનો ભય હતો. તેથી રૂપાણીએ આવા કાચા મકાનોમાં રહેતા ૧૯૦૦ નાગરિકોનું તે જ સમયે સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે જિલ્લા કલેકટર સહિતની તમામ કચેરીઓ પાંચમી અને છઠ્ઠીની શરૂઆતી રાતે ચાલુ જ રાખવી. જેથી કુદરતી આપત્તિ વખતે લોકોને તુરંત જ મદદ મળી રહે.
રૂપાણી સુરતની મુલાકાત પછી સીધા ગાંધીનગર આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, નાગરિકોએ પણ આવી સ્થિતિમાં તંત્રને પૂરતો સહયોગ આપવો જોઇએ.
આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમયે સમયે માહિતી મેળવી હતી. કેન્દ્ર સરકાર તરફથી પણ મદદ માટે માર્ગદર્શન અપાયું હતું.


