વિકાસ કરી રહ્યું છે ઇલેક્શન ટુરિઝમઃ મોદી, પ્રિયંકાની રેલી હિટ

Wednesday 27th March 2019 06:17 EDT
 
 

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પ્રચારના માહોલમાં સ્થાનિક વેપાર-ધંધામાં તો ધીમે-ધીમે તેજી આવી જ રહી છે જ સાથે ઇલેકશન ટુરિઝમ પણ ઉડાન ભરે છે. ભારતની લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર, રેલીઓની રંગત, સભાઓની ધમાલ વિદેશી પર્યટકોને ગાલા ફેસ્ટિવલ સમાન લાગે છે અને ગુજરાતના ટૂર ઓપરેટર્સ હવે વિદેશી પર્યટકોને ખાસ ઇલેકશન ટૂર પેકેજ પણ ઓફર કરે છે. રાજ્યના ૨૦થી વધુ ટૂર ઓપરેટર્સનો સમૂહ ધરાવતા ગુજરાત ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી (જીટીડીએસ) તરફથી ડિઝાઇન કરાયેલા આ પેકેજમાં વિદેશી મહેમાનોને રાજકીય રેલીઓમાં હાજરી આપવાથી માંડીને ઉમેદવારો સાથે ખાસ મુલાકાત કરાવી આપવાની, ખુલ્લી જીપમાં ચૂંટણી માહોલની રંગતને માણવા સહિતની સુવિધાઓ ઓફર કરાય છે.
મોદીની સૌથી વધુ ડિમાન્ડ
એક સર્વે પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી અને સભામાં સ્થાન માટેના પેકેજની ફોરનર્સમાં સૌથી વધુ ડિમાન્ડ છે. એવું નથી કે વિદેશી પ્રવાસીઓમાં જ મોદી ફેવરિટ છે. સાઉથ ઈન્ડિયાના પ્રવાસીઓ પણ વારાણસી અને ગુજરાતમાં મોદીની રેલી હોય તેવા ડેસ્ટિનેશન માટે પેકેજની સૌથી વધુ માગ કરી રહ્યા છે. મોદી પછી પ્રિયંકા વાડરાનો ક્રમ આવે છે. એકાએક રાજકારણમાં ઝંપલાવનારા પ્રિયંકાની રેલી અને તેમની સાથે વાતચીત કરવા માટે પણ પ્રવાસીઓ ઉત્સુક છે.
છ દિવસથી બે સપ્તાહ
ઇલેકશન ટુરિઝમ માટે છ દિવસથી માંડીને બે સપ્તાહ સુધીના પેકેજ ઓફર કરાય છે. આ પેકેજ રૂ. ૪૦ હજારથી રૂ. ૧.૫૦ લાખ સુધીના હોય છે. મુખ્યત્વે ચાર પેકેજ ઓફર કરાય છે અને છેલ્લા દિવસોમાં કે વચ્ચે અનુકૂળતા મુજબ વિદેશી પર્યટકોને ગ્રામીણ વિસ્તારમાં પણ લઈ જવાય છે જ્યાં તેઓને ભાતીગળ જીવનશૈલીને માણવાની તક સાંપડે છે.
૧૦ હજાર વિદેશી
ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વેળાએ ૧૮૦૦થી વધુ વિદેશી પર્યટકો ગુજરાત આવ્યા હતા, એમ જણાવી જીટીડીએસના અધ્યક્ષ અને અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સ્થાપક મનીષ શર્માએ આ અંગે કહ્યું કે, આ વખતની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક હોવાથી ૧૦ હજાર કરતા વધુ વિદેશી પ્રવાસીઓ આવે તેવી અપેક્ષા છે. અત્યારથી જ બુકિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિદેશથી ખાસ ચૂંટણી માટે આવતા મહેમાનોમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, મીડિયા કર્મી, રાજકીય વિશ્લેષકોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter