વિકાસમાં સાથ આપો, દિલ્હીમાં તમારો જણ બેઠો છે બે હાથમાં લાડુ અને પાંચે આંગળી ઘીમાંઃ મોદી

Wednesday 06th December 2017 07:49 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલમાં ધીમે ધીમે વાવાઝોડાંના વેગે જ ચૂંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે અને મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વયં ચૂંટણી અગાઉ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સભા રેલીઓ યોજીને મત એકઠાં કરવાની રાજનૈતિક સ્ટ્રેટેજી તૈયાર કરી છે. મોદીએ વિવિધ કાર્યકરો માટે પોતાના પ્રવચનો ખાસ હિન્દીમાં જ કર્યા હતા. એ પછીથી ૨૭મી નવેમ્બરથી ચિર પરિચિત શૈલીમાં ગુજરાતીમાં તેમનાં પ્રવચનો, રોડ શો અને સભાઓનો જૂનો અંદાજ દેખાયો છે. કચ્છની સભામાં ‘કી આયો ભા ભેણુ’ (કેમ છો મારા ભાઈ-બહેનો)નો મીઠો આવકાર આપ્યાં બાદ રાજકોટ નજીક જસદણમાં કાઠિયાવાડમાં કહ્યું કે, ‘ઈવડા ઈ ભાજપને મારી હામુ દેકારો બોલાવી દઈ રહ્યા છે.’ તો જીએસટી જેવા નેશનલ ઇશ્યુ અંગે ૨૯મી નવેમ્બરે સૌરાષ્ટ્રમાં મોરબી અને સોમનાથ પંથકનાં પ્રાચી નજીક જાહેરસભામાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના વિચારો એટલે ગ્રાન્ડ સ્ટુપિડ થોટ. મોદીએ કહ્યું હતું કે, ‘વિકાસમાં તમારો સાથ આપો. દિલ્હીની તિજોરી ગરીબોની તિજોરી છે. દિલ્હીમાં તમારો જણ બેઠો છે, બે હાથમાં લાડુ અને પાંચે આંગળી ઘીમાં જેવી માર્મિક ટકોર કરી હતી.’
મોરબી જળહોનારતમાં મૃતકોનાં અગ્નિસંસ્કાર પણ કર્યાં હતાં
મોરબીમાં પરશુરામ પોટરીનાં મેદાનમાં સભા સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, ‘૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની મચ્છુ જળ હોનારત વખતની કપરી ઘડીની જાણ થતાં જ હું ૧૩મીએ મોરબી પહોંચી ગયો હતો અને એક મહિના સુધી મોરબીમાં હતો. ત્યારે મૃતકોનાં અગ્નિસંસ્કાર પણ કર્યાં હતાં ને પશુઓનાં મૃતદેહોનો નિકાલ પણ કર્યો હતો. મેં તે સમયે એક સ્થાનિક મેગેઝિનમાં તસવીર જોઈ હતી. તે સમયના વડા પ્રધાન ઇંદિરા ગાંધી મોઢા ઉપર રૂમાલ રાખીને આવ્યાં હતાં. એક તરફ માનવતા મહેકતી હતી અને તેમને દુર્ગંધ આવતી હતી.
૧૨૫ કરોડ ભારતીયો મારા ભગવાન
મોદીએ રવિવારે ભરૂચ જિલ્લાનાં આમોદમાં કહ્યું કે, ‘૨૦૧૮માં કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તૈયાર થતાં જ ઇતિહાસમાં ક્યારેય કલ્પનાય નહીં કરી હોય તેવી જાહોજલાલી નર્મદાકાંઠે આવશે. મોદીએ વિકાસ સાથે આગળ વધવાની હાક કરતાં કહ્યું કે, ‘૯મી ડિસેમ્બરે આપણી તાકાત શું છે, સામર્થ્ય શું છે? તે તમારી આંગળીનાં જોરે બતાવજો. ભગવાને જે રીતે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચક્યો હતો તેમ તમારે ઈવીએમનું બટન દબાવીને સમગ્ર ગુજરાતનું ભાવિ બનાવવાનું છે.
વાંધો હોય તે બળદગાડામાં ફરે
મોદીએ કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ભરૂચને પણ લાભ થશે. આ પ્રોજેક્ટ માટે કેટલાકને વાંધો છે, જેને વાંધો હોય તે બળદગાડામાં ફરે. તમે તમારા ગજા મુજબ અને અમે અમારા ગજા મુજબ કામ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter