અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરોમાં મળેલા જનાદેશ અને નગરપાલિકા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં ભાજપને વિજય અપાવવા બદલ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિમાં જનતાના ભરોસાની જીત છે. અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે કાર્યકરોનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હવે વધારે ગતિશીલતા સાથે જન જનને સામેલ કરવાની આપણી જવાબદારી છે. સમજુ મતદારોએ ભાજપાને સમર્થન અને ગુજરાત વિરોધી તત્ત્વોને જાકારો આપી જવાબ આપ્યો છે. તેમણે નવા ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદીપસિંહ જાડેજા, આઇ કે જાડેજા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા.
દરમિયાન, ભાજપના પ્રદેશ પ્રમુખ આર સી ફળદુએ ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, લોકશાહીના આ પર્વમાં મતદારોએ ભાજપના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રની વિચારધારાને સમર્થન આપીને કોંગ્રેસની નકારાત્મક રાજનીતિના વલણને જાકારો આપ્યો છે.
ફળદુએ જણાવ્યું હતું કે, ૬ મહાનગરોમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને તમામ મહાનગરોમાં ભાજપનો દબદબો યથાવત્ રાખ્યો છે. જિલ્લા - તાલુકા પંચાયતોમાં ભાજપને મળેલા પ્રતિસાદ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વિકાસયાત્રામાં અડચણ ઊભી કરી રહ્યો હતો. જ્ઞાતિવાદને ઉત્તેજન આપનારી કોંગ્રેસે વર્ગ-વિગ્રહનો સહારો લઈને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આવનારા ભવિષ્યમાં પણ ભાજપની આ વિકાસયાત્રા નિરંતર રહેશે.